આ આંદોલન હતુ કે હિંસા - અનામતને નામે જીવ ગુમાવનાર આ લોકોના મોતના જવાબદાર કોણ ?

ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (15:06 IST)
પાટીદારોના આંદોલન બાદ ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારો અશાંતિની આગમાં હોમાયા હતા. આ દરમિયાન વ સ્ત્રાલમાં મોડી રાત્રે પિતાપુત્રનાં  ફાયરીંગથી મોત થયાં હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. આ ઉપરાંત થલતેજ વિસ્તારના ગુલાબ ટાવરમાં રહેતા પટેલ યુવકનું લાઠીચાર્જ બાદ ઘટનાસ્થળે જ મોત નિપજતાં હોબાળો થયો હતો. જ્યારે બાપુનગર તથા સરદારનગરમાં પણ એક એક યુવાનના મોત નીપજ્યાં હતા. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર આ બન્નેનાં મોત એકે ૪૭ રાઇફલથી થયાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે૮થી ૧૦ હજારના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે.
વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા મહાદેવનગર પાસે પણ હજારોની સંખ્યામાં તોફાની તત્વો રોડ ઉપર આવી ગયા હતા. જેમણે બસો સળગાવી હતી. આ ઘટનામાં પોલીસે ઉશ્કેરાયેલા ટોળાઓને વેરવિખેર કરવા માટે એ.કે ૪૭, કાર્બાઇન, પીસ્તોલ, અને ઇન્સાસ રાઇફલથી  અનેક રાઉન્ડ હવામાં ફાયરીગ કર્યા હતા. જોકે ઉશ્કેરાયેલા ટોળાઓએ પોલીસ પાસેથી એકે ૪૭ ઝૂંટવી લીધી હતી અને ફાયરીંગ કર્યું હતું 

આ ઘટનામાં વ સ્ત્રાલના મહાદેવનગર ટેકરા પાસે આવેલ કૈલાશ સોસાયટીમાં રહેતા ગિરીશભાઇ રાવજીભાઇ પટેલ અને તેમના પુત્ર સિધ્ધાર્થ ગિરીશભાઇ પટેલને પગ અને મોઢા ઉપર ગોળી વાગી હતી, જેમાં સિધ્ધાર્થનું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે ગિરીશભાઇને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા 
રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.આઇ.સોલંકીએ જણાવ્યું છે કે ગઇ કાલે મોડી રાતે ઉશ્કેરાયેલા ટોળાઓએ બસો સળગાવી હતી અને તેમાં  પોલીસકર્મીઓને નાખવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે ઉશ્કેરાયેલા ટોળાઓને વેરવિખેર કરવા માટે હવામાં અનેક રાઉન્ડ ફાયરીગ કર્યું હતું. આ ઘટનામાં ટોળાઓએ એકે ૪૭ ઝૂંટવી લીધી હતી અને પોલીસ ઉપર ફાયરીંગકરવા જતાં ગોળી પિતાપુત્રને વાગી હતી. જેમાં તેમના મોત થયા છે પોલીસે આ મુદ્દે હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા કરફ્યુંની મુદત વધારી દેવામાં આવી છે અને અચોક્કસ મુદત સુધી રામોલ, નિકોલ, બાપુનગર, ઘાટલોડિયા, નારણપુરા, ઓઢવ તથા નરોડા કૃષ્ણનગર સહિત વાડજ વિસ્તારમાં કરફ્યુની મુદત અચોક્કસ મુદત સુધી લંબાવાયો છે. 

થલતેજ  વિસ્તારના ગુલાબ ટાવરમાં પોતાના પરિવારજનો સાથે રહેતા  નિમેશ પટેલ (ઉ. વ ૪૮ ) ઈલેકટ્રીશયિન તરીકે કામ કરતા હતા. તેમના પરિવારમાં તેઓ પોતાની બે દીકરીઓ અને તેમના પત્ની સાથે રહેતા હતા. જયારે તેમના નાનાભાઈ તેમનાથી  અલગ રહેતા હતા. નિમેશ પટેલ ગઈ કાલે રાતના  ૧૧ વાગ્યાની આસપાસના  સમયે પોતાનાં કામ પરથી તેમના સાથે કામ કરતા સહકર્મી સાથે પરત ફરતા હતા. રસ્તા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ થવાના કારણે તેઓ તેમના સહકર્મીને  સરદારનગર તેમના ઘરે મૂકી પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે સરદારનગર  ચાર રસ્તા પાસે ટોળું ભેગું થઈ જતા તે ટોળામા પોતાના સગાસબંધી કે પરિવારજનો નથી તે જોવા ગયા એટલા જમાં પાછળથી આર.એ.એફ. નાં જવાનો આવી લાઠીચાર્જ કરવા લાગ્યા. લાઠીચાર્જમાં નિમેશ  ભાઈને માથાનાં ભાગે  લાઠી વાગતા ઈજા થઈ હતી તેમણે સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવા તે પહેલાં તેમનું મોત થયું હતું.

રાણીપ વિસ્તારમાં આવેલી ગંગોત્રી સોસાયટીમાં થયેલા એક ફાયરિંગના બનાવમાં હરીશ પટેલ (ઉં.વ. ૩૨) નામના યુવકને ગંભીર ઇજા થવા પામી હતી, જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાપુનગરમાં શ્વેતાંગ પટેલ નામના યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે લડાઈ આપણા જ ઘરમાં પોતીકાઓ સામે જ લડ્વાની હોય તો સૌથી સારુ હથિયાર છે આંદોલન.. હડતાળ.. ભૂખ હડતાળ.. પણ આ જ આંદોલન જ્યારે કોઈની જીદને કારણે લોહીલુહાણ બની જાય ત્યારે તે આંદોલન નથી રહેતુ .. હિંસા બની જાય છે.  અને આ હિંસામાં જ્યારે કોઈનો જીવ હોમાય જાય ત્યારે આપણને ભાન થાય છે કે આપણે ક્યાક તો  ખોટા હતા.  પોલીસે અત્યાચાર કર્યો એ વાત સાચી પણ આપણે પણ સામેથી ચાર ગણો બદલો વાળ્યો તો આપણા બેયમાં અંતર શુ ? 

વેબદુનિયા પર વાંચો