હિટલરશાહી સરકારને સાથ આપ્યો હવે તેમને પાટીદાર સમાજની તાકાત બતાવવી પડશે : રેશ્મા

મંગળવાર, 19 જુલાઈ 2016 (12:55 IST)
હાર્દિક પટેલના જેલમુક્ત થતાની સાથે જ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ફરી એકવાર જોમમાં આવી ગયુ છે. અત્યાર સુધી ઠંડા પડી ગયેલા નેતાઓ પણ હવે જાહેરમાં આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે સિહોર ખાતે યોજાયેલી પાટીદાર મહાસભામાં પાસ નેતા રેશ્મા પટેલે આક્રમક અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર પ્રહારો કર્યા હતા. રેશ્માએ જણાવ્યુ હતું કે, હવે ચાય વાલે ચાચા અને ફઈબાને
પટેલ સમાજની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા.જેમની સમક્ષ આક્રમકશૈલીમાં પ્રવચન આપતા રેશ્મા પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ૧૫ વર્ષ સુધી આપણે હિટલરશાહી સરકારને ભોગવી છે. તેમને સાથ અને સહકાર આપ્યો છે. જોકે હવે આ સરકાર આપણી સાથે વિશ્વાસઘાત કરી રહી છે ત્યારે વર્ષ  ૨૦૧૭માં આ સમુખત્યારશાહી સરકારને પાટીદાર સમાજની તાકાત બનાવવાનો સમય આવી ગયો છે. આપણે સરદાર પટેલના સંતાનો છીએ છતાં ચાણક્ય બુદ્ધીથી કામ કરવાનુ છે. પાટીદાર સમાજની માતાઓ અને બહેનોએ ઝાંસીની રાણીની જેમ ઘરની બહાર નિકળીને ચાયવાલે ચાચા અને ફઈબાને પટેલ સમાજની તાકાત બતાવવી પડશે.   જ્યારે આ પ્રસંગે પાસ કન્વીનર અતુલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની આ હિટલરશાહી સરકારે આપણા લાડકવાયાને છ મહિના સુધી રાજ્યની બહાર મોકલી દીધો
છે. પરંતુ આ સરકાર ભુલે છે કે પાટીદારો કોઈની સામે ઝુક્યા નથી અને ઝુકવાના નથી. ઉલ્લેખનીય છે કે, આ સભામાં ૧૫ હજારથી વધુ પાટીદારોએ હાજરી આપી હતી. જેમણે વર્ષ ૨૦૧૭માં પરિવર્તન માટે બુંગલ ફુંકવાની રણનીતિ જાહેર કરી હતી.

વેબદુનિયા પર વાંચો