પલ્લીનો મેળો: ચાર લાખ લિટર શુદ્ધ ઘીથી માતાજીને અભિષેક

સોમવાર, 29 સપ્ટેમ્બર 2014 (16:34 IST)
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે નવરાત્રિની આઠમે વરદાયિની માતાનો પરંપરાગત પલ્લીનો મેળો ભરાય છે. અહીં વર્ષોથી માતાજીની અનેરી ભક્તિના દર્શન થાય છે. વર્ષોથી શુદ્ધ ઘીની નદીઓ વહેડાવવામાં આવે છે. આ વર્ષે પણ આઠમની રાત્રે ચાર લાખ લિટર શુદ્ધ ઘીથી માતાજીનો અભિષેક કરવામાં આવશે. દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માના દર્શને આવે છે. આગામી શુક્રવારને ૩જી ઓક્ટોબરે આ ઐતિહાસિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગે શ્રી વરદાયી માતાજી સંસ્થાના વહીવટદારોએ જણાવ્યું હતું કે, આ વર્ષે સંપૂર્ણ શ્રદ્ધા, શાંતિ અને સુરક્ષિત રીતે ઉજવવાની તૈયારીઓ અને તકેદારીઓ રાખવામાં આવી છે. પલ્લીના પરંપરાગત રૂટનું રીસફેસિંગ સફાઈ સુરક્ષા સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ પલ્લીના મેળામાં ૧૪ જેટલા સી.સી. ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ૨૭ જગ્યાએ પૂજા અર્ચન કરવા માટે ખાસ મંડપ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં શ્રદ્ધાળુઓ દૂરથી પણ માતાના દર્શન કરી શકે તે માટે રથના રૂટ પર આઠ જેટલા મોટા ટીવી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે. આઠ ગામોમાં પલ્લીના મેળાનું સીધુ પ્રસારણ કરવામાં આવશે. આ મેળાનું પ્રસારણ વિદેશમાં પણ નિહાળી શકાશે. ધામધૂમથી ઉજવાતા આ મેળામાં ૮થી ૧૦ લાખ માઈભક્તો ભાગ લેશે. દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ નોરતાની આઠમે ખાસ માતાની પલ્લીમાં સામેલ થવા રૂપાલ ઊતરી આવે છે. મેળામાં ભક્તોની અવરજવર માટે ખાસ વાહનવ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, કલોલ અને માણસા ખાતેથી ખાસ બસોની વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે રૂપાલની ત્રણેય દિશામાં વિશાળ પાર્કિંગ ઝોન ઊભા કરાયા છે. ગયા વર્ષે રૂપાલની પલ્લીમાં માને ચાર લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ વરસે પણ ભક્તો દ્વારા ચાર લાખથી વધુનો અભિષેક થશે એવું પણ જાણવા મળ્યું હતું.
વધુ આગળ 
આ વર્ષ મંદિરને રૂ. ૫૦થી ૬૦ લાખની આવક થઈ છે. માતાના ભક્તોને પ્રસાદરૂપે ખીચડી-કઢી પીરસવામાં આવશે. મંદિરમાં માઈભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં માના દર્શન માટે પ્રવેશ કરી શકશે. જેથી ભીડ ઓછી થાય.

આ વર્ષે માના એક ભક્તે માતાને નકશીકામ વાળો મોટો ગોલખ ભંગર, ચાંદીના નકશીકામ વાળી ત્રણ થાળી, છ ચાંદીની વાટકી, એક શ્રીયંત્ર, કંકાવટી, ઝારી, આરતી, ઘંટડી અને કંગન ભેટ આપવામાં આવ્યાં છે. આ વસ્તુઓનું વજન ૧૨ કિલો જેટલું થાય છે.

મંદિર અને મેળામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે એસઆરપીના દસ સેકશન, સ્થાનિક પોલીસ, હોમગાર્ડઝ, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ વગેરે ખડેપગે ઊભા રહેશે. આ બંદોબસ્તના મોનિટરિંગ માટે બે ડી.વાય.એસ.પી., સાત પોલીસ ઇન્સ્પેક્ટર અને ૩૨ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો કાફલો ફરજ બજાવશે.

માતાજીના પ્રસાદરૂપે ૧૫૦૦ કિલો ચોખા અને ૬૦૦ કિલો દાળની ખીચડી-બનાવવામાં આવશે. મધરાતે મોટા મ્હાડ ખાતે પૂજા અર્ચના આરતી બાદ માતાજીના જયઘોષ સાથે પલ્લીનો પ્રારંભ થશે અને વહેલી સવારે પલ્લીની યાત્રા મંદિરે પહોંચશે. આ દરમિયાન ૨૭ જગ્યાએ માનું સ્વાગત અને પૂજા અર્ચના કરવામાં આવશે. પલ્લીમાં ભક્તો માટે તેમ જ સુરક્ષા અને સારવાર માટે ચાર મેડિકલ ઓફિસરની ટીમ તહેનાત રાખવામાં આવી છે. આસપાસના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ૨૪ કલાક કાર્યરત રહેશે. મંદિર પરિસર નજીક ૧૦૮ને પણ તહેનાત રાખવામાં આવશે. મંદિરમાં ચાર લાખથી વધુ ઘીનો અભિષેક થવાનો છે. ત્યારે નકલી ઘીનો વેપાર ના થાય તે માટે મધુર અને ઉત્તમ ડેરીમાંથી શુદ્ધ ઘીનાં કાઉન્ટર ગામમાં ઊભા કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો