ગાંધીનગરથી 13 કિ.મીના અંતરે આવેલા રૂપાલ ગામના વરદાયિની માતાના મંદિરે નવરાત્રી દરમિયાન પરંપરાગત રીતે પલ્લી મેળાનું આયોજન છેલ્લા સાડા પાંચ હજાર વર્ષથી કરવામાં આવે છે. આ પલ્લીની યાત્રામાં દર વર્ષે આશરે 30 હજાર કીલો કરતા વધારે ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ વર્ષે આશરે 10 લાખ કરતા પણ વધુ દર્શાનાર્થીઓ માતાના દર્શને આવશે તેવો આયોજકો દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.
આસો સુદ નોમના છેલ્લા નોરતાની મધ્યરાત્રીએ પલ્લી ગામમાં સર્વધર્મ સંભાવનું એક અનોખુ ચિત્ર જોવા મળે છે. આ રાત્રીએ ગામના તમામ જ્ઞાતિના લોકો ભેગા મળી પલ્લી યાત્રાનું આયોજન કરે છે. આ દિવસે આશરે 70 હજારથી વધુ ભક્તો માટે ખીચડી, કઢી તથા બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.
નવમીના દિવસે ગામના વણકર જાતીના લોકો પલ્લી નિર્માણ માટે ખીજડો કાપશે, કુંભાર જાતીના લોકો કુંડા બનાવશે, માળી સમાજના લોકો પલ્લીને ફુલોથી શણગારશે, પીંજારા લોકો કુંડામાં કપાસ પૂરશે, પંચોલી ભાઈઓ માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો રાંધશે. તેમજ ચાવડા સમાજના લોકો પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવાર લઈને યાત્રાની આગળ હાજર રહેશે. પલ્લી તૈયાર થઈ ગયા બાદ ગામના પટેલ ભાઈઓ પલ્લીની પૂજા આરતી કરીને કુંડામાં અગ્ની પ્રગટાવશે. આમ ધાર્મિક પૂજા બાદ વિધિવત રીતે પલ્લી યાત્રાનો પ્રારંભ થશે. પલ્લીની યાત્રામાં ગામના વાળંદભાઈઓ મશાલ લઈને ચાલે છે.
પલ્લી યાત્રા રૂપાલ ગામના 27 ચકલાઓ આગળ ઉભી રહે છે. જ્યાં ગામ લોકો અને દર્શનાર્થે આવેલ શ્રદ્ધાળુઓ બાધા, માનતા અને આખડી અને ઈચ્છા પૂરી કરવા પલ્લી ઉપર હજારો કીલો ઘીનો અભિષેક કરે છે. આ યાત્રામાં ભાગ લેવા આવતા શ્રદ્ધાળુઓ માટે 800 કીલોથી વધારે ચણા દાળના લોટમાંથી બુંદીના લાડુ તૈયાર કરવામાં આવશે. યાત્રામાં જોડાવવા અમદાવાદ, ગાંધીનગર, કલોલ અને માણસા એસ.ટી. ડેપો પરથી ભક્તોને લઈ જવા માટે અલગથી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવે છે.