આજથી 20 થી 25 વર્ષ પહેલાંના સમયમાં થોડુક ડોકિયુ કરીને જોઈએ તો કોઈના ઘર આંગણે મુકાયેલ ગરબાની આજુબાજુ જે બહેનો ગરબા રમતી હતી તેમને લહાણીના સ્વરૂપે કંઈ પણ નાની એવી ભેટ મળતી હતી જેમ કે, - વાસણ, ચાંલ્લા, બોરિયા, પીન વગેરે. તે વખતે ગમે તે કોઈ એક બહેન તરફથી ગરબા ગાતી બધી જ મહિલાઓને લહાણી અપાતી હતી. રોજ જુદી જુદી બહેનો ગરબા ગાતી બહેનોને લહાણી આપતી હતી.
પરંતુ સમયના વહેણની સાથે સાથે લહાણીએ પણ પોતાનું સ્વરૂપ બદલી દિધું. આજે નાની એવી વસ્તુ (લહાણી)ની જગ્યા મોટા મોટા લાખો રૂપિયાના ઈનામે લઈ લીધી છે. ગરબામાં સૌથી સારા ડ્રેસ માટે, સૌથી સારી સ્ટાઈલ માટે, સૌથી સારા કપલ માટે વિવિધ પ્રકારના ઈનામોની વણઝાર છુટી છે. અને ઈનામો પણ નાના એવા નહિ પરંતુ ફ્રિઝ, ટીવી, બાઈક જેવા મોટા મોટા.
ઘણાં યંગસ્ટર્સ એવા છે જેઓ પોતાનો નવરાત્રિનો બધો જ ખર્ચો ઈનામથી જ સરભર કરી લે છે. નવરાત્રિ દરમિયાન પોતાના ડ્રેસીસ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરનાર યંગસ્ટર્સ તેમને મળતાં ઈનામ દ્વારા તેને બરાબર કરી લે છે. નવરાત્રિનો આ ઉત્સવ આજે એક ધાર્મિક અને પારંપારિક તહેવાર ન રહેતાં એક સ્પર્ધા બની ગઈ છે. અરે યુવાનો તેમાં ઈનામ મેળવવા માટે પોતાના ડ્રેસીસ અને પ્રેક્ટિસ પાછળ હજારોનો ખર્ચ કરતાં જરા પણ કચવાતા નથી.
મોજમસ્તીના તહેવારને એક સ્પર્ધા બનાવવી કેટલી હદે યોગ્ય છે?