પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે ભારત તેના 75મા સ્વંતત્રતા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે આગામી 25 વર્ષનો સમયગાળો આપણા માટે ખૂબ જ મહત્વનો છે. તેમણે કહ્યું હતું કે, આગામી 25 વર્ષ દરમિયાન વ્યવસાય કરવાની કાર્યશૈલીઓ અને દૈનિક જીવનમાં સંખ્યાબંધ પરિવર્તનો આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પરિવર્તનો વચ્ચે, આપણે આપણા પર્યાવરણ, આપણી જમીન, આપણા સંસાધનો અને આપણા કાચા માલનું રક્ષણ કરીએ એ પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આપણે ભવિષ્યમાં આવિષ્કાર અને ટેકનોલોજી પર કામ કરી શકીએ છીએ પરંતુ, ધરતી માતા પાસેથી આપણને જે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે આપણા હાથની વાત નથી.