માતા વૈષ્ણોદેવી માર્ગ પર મોટો અકસ્માત, અર્ધકુંવારીમાં ભૂસ્ખલનમાં 5 લોકોના મોત, 14 ઘાયલ, યાત્રા રોકવામાં આવી
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી મંદિર રોડ પર સ્થિત અર્ધકુવારીમાં ભૂસ્ખલન થયું છે. એક અધિકારીએ જણાવ્યું છે કે આ વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે તેના સત્તાવાર X હેન્ડલ પર માહિતી આપી છે કે આ ભૂસ્ખલન ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે થયું છે અને ઘણા લોકો ઘાયલ થવાની સંભાવના છે. માહિતી અનુસાર, આ અકસ્માત બાદ વૈષ્ણો દેવી યાત્રા બંધ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વૈષ્ણો દેવી મંદિર તરફ જતા માર્ગ પર ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત થયા છે અને 14 ઘાયલ થયા છે.
ક્યા થઈ દુર્ઘટના ?
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે પોતાના ટ્વિટમાં કહ્યું - "અર્ધકુવારીમાં સ્થિત ઈન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલન થયું છે, કેટલાક લોકો ઘાયલ થવાની આશંકા છે. જરૂરી માનવશક્તિ અને મશીનરી સાથે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જય માતા દી."
6 મુસાફરો ગંભીર રીતે ઘાયલ
અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, માતા વૈષ્ણો દેવી માર્ગ પર અર્ધકુવારીમાં ભોજનલ નજીક ભૂસ્ખલન થયું ત્યારે ઘટનાસ્થળે ઘણા મુસાફરો હતા. અગાઉ, ઘણા મુસાફરોને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, સત્તાવાર માહિતી બહાર આવી છે કે વૈષ્ણો દેવી મંદિર તરફ જતા માર્ગ પર ભૂસ્ખલનમાં પાંચ લોકોનાં મોત થયા છે, 14 ઘાયલ થયા છે.
ડોડામાં વાદળ ફાટ્યું
ભારે વરસાદને કારણે જમ્મુના વિવિધ ભાગોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. જમ્મુ વિભાગમાં લગભગ બધી નદીઓ અને નાળા ભયના નિશાનથી ઉપર અથવા તેની નજીક વહી રહ્યા છે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ડોડામાં વાદળ ફાટ્યા બાદ ઘણી જગ્યાએ પર્વતો સરકી ગયા છે. 3 થી 4 લોકોના મોતના સમાચાર પણ પ્રકાશમાં આવ્યા છે. સીએમ ઓમર અબ્દુલ્લાએ વહીવટીતંત્રને હાઇ એલર્ટ જાળવવા નિર્દેશ આપ્યો છે.
શ્રદ્ધાળુઓની સુરક્ષા અને હવામાનની પરિસ્થિતિ જોતા, શ્રાઇન બોર્ડ દ્વારા વૈષ્ણો દેવી યાત્રાને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. અર્ધકુંવારીથી ભવન સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ છે, તેમજ નીચલા ટ્રેક પર પણ અવરજવરની મંજૂરી આપવી બંધ કરી દેવાઈ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ભીતિને ધ્યાનમાં રાખીને જમ્મુના અનેક વિસ્તારોમાં મોબાઇલ અને ઈન્ટરનેટ સેવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવી છે. લોકોના સલામત સ્થળે રહેવા અને અધિકારીઓના સંપર્કમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે. શ્રીનગર સહિતના વિસ્તારોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે અને કેટલીક ઘરોને નુકસાન પણ થયું છે.