ઓબીસી સમુહને મોટી ભેટ, રાજ્યસભામાંથી પસાર થયુ અનામત બિલ, લોકસભામાંથી પહેલા જ મળી ચુકી છે મંજુરી

બુધવાર, 11 ઑગસ્ટ 2021 (21:00 IST)
રાજ્યોને ઓબીસી અનામત યાદી તૈયાર કરવાનો અધિકાર આપનારા 127માં સંવિધાન સુધારા વિધેયકને રાજ્યસભાની મંજુરી મળી ગઈ છે. સંસદના ઉચ્ચ સદનમાં હાજર બધા 186 સાંસદોએ આ બિલનુ સમર્થન કર્યુ. આ પહેલા મંગળવારે લોકસભાએ પણ આ બિલને મંજૂરી આપી દીધી હતી.  હવે આ બિલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમના હસ્તાક્ષર સાથે જ આ કાયદાકીય રીતે લાગૂ થઈ જશે.  આ અંતર્ગત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓબીસી અનામત માટે જાતિઓની યાદી તેમના સ્તરે નક્કી કરવાનો અને તેમને કોટા આપવાનો અધિકાર રહેશે. તાજેતરમાં, મહારાષ્ટ્ર સરકારે આપેલા મરાઠા કોટાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ કેન્દ્ર સરકાર આ બિલ લાવી હતી.
 
મરાઠા અનામત પર પ્રતિબંધ મૂકતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકાર આ રીતે કોઈપણ સમુદાયને ઓબીસી યાદીમાં સામેલ કરી શકતુ નથી. કોર્ટના આ નિર્ણયથી મહારાષ્ટ્રમાં મળેલ મરાઠા અનામતને રદ્દ થઈ ગયુ હતુ. આ પછી સરકાર આ બિલ લાવી છે. તેનાથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો માર્ગ મોકળો થશે. આ સિવાય અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકારોને આ મુજબ યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન, કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પાસે અનામતની 50 ટકા મર્યાદા નાબૂદ કરવાની માંગ કરી હતી.
 
આ બિલને બંને ગૃહમાંથી મંજૂરી મળ્યા બાદ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર સામાજિક, શૈક્ષેણિક દ્રષ્ટીથી પછાત વર્ગો (SEBC)નું લિસ્ટિંગ કરી શકશે.  સંસદમાં આજે અને આવતીકાલે ઘણાં મહત્વના બિલ પાસ કરવામાં આવી શકે છે. ગૃહમાં યથાવત ચર્ચા વચ્ચે ભાજપે વ્હિપ જાહેર કરી પોતાના તમામ સાંસદોને 10 અને 11 ઓગસ્ટે બંને ગૃહમાં અને અન્ય બેઠકોમાં હાજર રહેવાનું કહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર