Sindhutai Sapkal Passed Away: જાણીતા સમાજ સેવિકા પદ્મશ્રી સિંઘુતાઈ સપકાળનુ 74ની વયે નિધન

બુધવાર, 5 જાન્યુઆરી 2022 (15:32 IST)
પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિંધુતાઈ સપકાલનું મંગળવારે 74 વર્ષની વયે નિધન થયું છે. તે છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા  અને મંગળવારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું. 
 
સિંધુતાઈને મહારાષ્ટ્રની 'મધર ટેરેસા' કહેવામાં આવે છે. તેમણે તેમનું આખું જીવન અનાથ બાળકોની સેવામાં વિતાવ્યું. તેમણે લગભગ 1400 અનાથ બાળકોને દત્તક લીધા અને આ ઉમદા હેતુ માટે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી સહિત અન્ય ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા.
 
કોણ છે સિંધુ તાઈ?
સિંધુ તાઈ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના ભરવાડ પરિવારની છે. સિંધુ તાઈનું બાળપણ વર્ધામાં વીત્યું હતું. તેમનું બાળપણ અનેક મુશ્કેલીઓ વચ્ચે વીત્યું. સિંધુ જ્યારે નવ વર્ષની હતી ત્યારે તેના લગ્ન એક મોટી ઉંમરના પુરુષ સાથે થયા હતા. સિંધુ તાઈ ચોથા ધોરણ સુધી જ ભણી હતી, તે આગળ ભણવા માંગતી હતી પરંતુ લગ્ન બાદ તેના સાસરિયાઓએ તેનું સપનું સાકાર થવા દીધું ન હતું.
 
સિંધુ તાઈને સાસરે અને પિયરમાં આશરો ન મળ્યો 
 
અભ્યાસથી માંડીને એવી ઘણી નાની-મોટી બાબતો હતી, જેમાં સિંધુ તાઈને હંમેશા અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. તેણીએ આની સામે અવાજ પણ ઉઠાવ્યો હતો, પરંતુ પરિણામ એ આવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેના સાસરિયાઓએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. એટલું જ નહીં તેના પિયરના લોકોએ પણ તેને પોતાની પાસે રાખવાની ના પાડી દીધી હતી.
 
 
એક જ એકલા જ બાળકને જન્મ આપ્યો
 
સિંધુ તાઈએ ઠોકર ખાઈ લીધી. પ્રેગ્નન્સીના સંઘર્ષ વચ્ચે તેણે દીકરીને જન્મ આપ્યો. એકલા બાળકને જન્મ આપવો સરળ ન હતો. તેણે પથ્થર વડે મારી મારીને તેની નાળ કાપી હતી. આ પછી સિંધુએ રેલ્વે સ્ટેશન પર દીકરી માટે ભીખ પણ માંગી. આ સમયગાળો તેના જીવનનો એવો સમય હતો, જ્યારે સિંધુતાઈને  હજારો બાળકોની માતા બનવાની લાગણી જગાવી હતી.
 
એક સમય એવો આવ્યો કે જ્યારે સિંધુ તાઈ પોતાની બાળકીને મંદિરમાં છોડીને જતી રહી પરંતુ પછીથી તેને રેલ્વે સ્ટેશન પર એક બાળક મળ્યું, જેને તેણે દત્તક લીધું. તેના મનમાં વિચાર આવ્યો કે તેણે આ અનાથ બાળકોની જવાબદારી ઉપાડી લેવી જોઈએ. સિંધુતાઈએ અનાથ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. સિંધુએ હજારો બાળકોને ખવડાવવા માટે રેલવે સ્ટેશન પર ભીખ માંગવાનું શરૂ કર્યું.
 
સિંધુ તાઈએ મેળવ્યું સન્માન
 
સિંધુ તાઈને તેમના ઉમદા કાર્ય માટે અત્યાર સુધીમાં 700 થી વધુ સન્માન મળ્યા છે. સિંધુ તાઈએ તેમને અત્યાર સુધી મળેલા સન્માનમાંથી મળેલી રકમ તેમના બાળકોના ઉછેરમાં ખર્ચી નાખી. તેમને ડીવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ પૂણે તરફથી ડોક્ટરેટની ઉપાધિ પણ મળી ચુકી છે. મરાઠી ફિલ્મ મી સિંધુતાઈ સપકાળ તેમના જીવન પર બનાવવામાં આવી છે જે વર્ષ 2010 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 54માં લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર