S.Jaishankar On Pakistan- વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફનો ડર વધાર્યો

રવિવાર, 29 સપ્ટેમ્બર 2024 (15:07 IST)
S.Jaishankar On Pakistan- પાકિસ્તાન આતંકવાદ'થી લઈને ગાઝા અને યુક્રેનમાં ચાલી રહેલી હિંસા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વિસ્તરણ વિશે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં તેમણે આ વાતો કહી હતી.
 
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આપેલા ભાષણ પર તેમણે વ્યંગ કર્યો હતો. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર જયશંકરે કહ્યું હતું કે એ ‘તેમનાં કર્મોનું ફળ છે.’
 
જયશંકરે કહ્યું હતું કે, "પોતાના નિયંત્રણની બહારના સંજોગોને લીધે કેટલાય દેશો પાછળ રહી ગયા છે, પરંતુ કેટલાક જાણીજોઈને એવા નિર્ણયો લે છે જેનાં વિનાશક પરિણામો આવે છે. આનું મોટું ઉદાહરણ પાડોશી દેશ પાકિસ્તાન છે. "કમનસીબે, તેમના પાપની અસર બીજા પર પડે છે, ખાસ કરીને તેમના પાડોશીઓ પર."
 
"તેનો જીડીપી માત્ર કટ્ટરવાદ અને આતંકવાદના સ્વરૂપમાં તેમના નિકાસના સંદર્ભમાં માપી શકાય છે. આજે આપણે જોઈએ છીએ કે જે ખરાબીઓ બીજા પર લાદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે તેમના પોતાના સમાજને ગળી રહ્યો છે. આના માટે જગતને જવાબદાર ઠેરવી શકાય નહીં. આ માત્ર કર્મ છે. બીજાની જમીન પર નજર રાખતા એક નકામા દેશ વિશે ખબર પડવી જોઈએ અને તેની સાથે મુકાબલો કરવો જોઈએ.
 
એસ. જયશંકરે શાહબાઝ શરીફના ભાષણ પર પ્રતિક્રિયા પણ આપી હતી. તેમણે કહ્યું કે, “અમે ગઈ કાલે આ જ પ્લૅટફૉર્મ પરથી કેટલીક વિચિત્ર વાતો સાંભળી હતી. હું ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી દેવા માગું છું કે પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય. અને આ બાબતે કોઈ પણ સજામાંથી મુક્તિની અપેક્ષા રાખી શકાય નહીં. તેનાથી વિપરિત દરેક કામનું ચોક્કસ પરિણામ આવશે."
 
"અમારી વચ્ચે જેનો નિવેડો લાવવાનો બાકી છે તે એ કે ગેરકાયદેસર રીતે કબજે કરેલો ભારતીય વિસ્તાર પાકિસ્તાન ખાલી કરે. આતંકવાદ સાથે લાંબા સમયથી જોડાયેલું પાકિસ્તાન તેનાથી દૂર રહે."
 
સાથે જ જયશંકરે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝા અને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો સત્વરે ઉકેલ શોધવાની અપીલ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર