રિપોર્ટ મુજબ આ મામલો હવે ઇન્કમટેક્ષના દરબારમાં છે. આ વિભાગ માયાવતીના ભાઇ આનંદકુમારની1300 કરોડની સંપત્તિની તપાસ કરી રહ્યુ છે. રિપોર્ટમાં આ મામલાને નવા વર્ષનુ સૌથી મોટુ રાજકીય કૌભાંડ ગણાવતા જણાવાયુ છે કે આનંદકુમાર ઓછામાં ઓછી 12 કંપનીઓના માલિક છે. તેમની 1316 કરોડની સંપત્તિ તપાસના દાયરામાં છે. જેમાં 440 કરોડ રૂપિયા રોકડા, જયારે 870 કરોડ રૂપિયા જમીન સહિતની સ્થાવર મિલ્કત છે.
રિપોર્ટ અનુસાર તપાસમાં એ બાબતનો ખુલાસો થયો છે કે માયાવતીના ભાઇ દ્વારા નકલી કંપનીઓ ચલાવાતી હતી. આવી જ એક કંપનીનું નામ છે રિયલ્ટર્સ પ્રા.લી. જેણે 7 વર્ષમાં 45257 ટકા નફો કમાયો છે. માયાવતીના ભાઇ વિરૂધ્ધ આ ખુલાસો ત્યારે થયો કે જયારે ઇડીએ આનંદકુમારના ખાતામાં 1.43 કરોડ અને બસપા સાથે જોડાયેલા એક ખાતામાં 104 કરોડ રૂપિયા જમા હોવાનુ શોધી કાઢયુ હતુ. રિપોર્ટ મુજબ આ પૈસા નોટબંધી બાદ ખાતામાં જમા થયા હતા. એ બાબતની પણ શંકા છે કે બસપા અને માયાવતીના ભાઇના ખાતામાં હવાલા લેવડ-દેવડથી પૈસા પહોંચ્યા છે.