વડા પ્રધાન મોદીનો આજથી પૉલૅન્ડ અને યુક્રેન પ્રવાસ

બુધવાર, 21 ઑગસ્ટ 2024 (11:25 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 ઑગસ્ટ સુધી પૉલૅન્ડ અને યુક્રેનની મુલાકાતે જશે. પીએમ મોદી 23 ઑગસ્ટે યુક્રેન જવા રવાના થશે.
 
મોદીની મુલાકાતને લઈને પૉલૅન્ડમાંથી પણ પ્રતિક્રિયા આવી છે. યુરોપિયન સંસદના સભ્ય ડૅરિયસ જોન્સકીએ કહ્યું કે પીએમ મોદીની મુલાકાત તેમના માટે રાજનીતિ અને વેપારના દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે.
 
ભારતના કોઈ વડા પ્રધાન 45 વર્ષ બાદ પૉલૅન્ડની મુલાકાતે છે.
 
પીએમ મોદીની મુલાકાત પહેલાં પૉલૅન્ડના શહેર લોડ્ઝના ગવર્નર ડૉરોટા રિયલે કહ્યું હતું કે, "પૉલૅન્ડ ભારતને વેપાર માટે એક મોટા ભાગીદાર તરીકે જુએ છે."
 
ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે પીએમ મોદી 21-23 ઑગસ્ટ સુધી પૉલૅન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જશે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 ઑગસ્ટે યુક્રેનની પણ મુલાકાત લેશે. 30 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતના વડા પ્રધાન યુક્રેનની મુલાકાત લેશે.
 
પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેને તાજેતરમાં જ રશિયાની સરહદમાં ઘૂસીને તેના પર હુમલાઓ તેજ કર્યા છે.
 
યુક્રેને રશિયાના કેટલાક વિસ્તારોને પણ પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે. એવી આશંકા છે કે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર