PM Modi’s Twitter account hacked: PM મોદીનું ટ્વીટર એકાઉન્ટ થયુ હેક, બિટકોઈનની કાનૂની માન્યતાને લઈને કહી આ મોટી વાત, મચી ગયો હંગામો

રવિવાર, 12 ડિસેમ્બર 2021 (08:48 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે મોડી રાત્રે હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું અને બિટકોઈન સંબંધિત ટ્વિટથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, ટૂંક સમયમાં આ ટ્વીટ પીએમ મોદી (@narendramodi) ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી હટાવી દેવામાં આવ્યું અને હવે તેમનું ટ્વિટર હેન્ડલ સંપૂર્ણપણે સુરક્ષિત થઈ ગયું છે. હેકર્સે ટ્વિટ કરીને લખ્યું હતુ કે ભારતે બિટકોઈનને કાયદેસર રીતે માન્યતા આપી છે.
 
કેન્દ્ર સરકારે ભારતમાં ક્રિપ્ટોકરન્સીને કાયદેસર રીતે માન્યતા આપી નથી. આવી સ્થિતિમાં હેકર્સ દ્વારા બિટકોઈન અંગે કરવામાં આવેલી ટ્વિટથી ટ્વિટર પર હંગામો મચી ગયો હતો. જોકે, બાદમાં પીએમઓએ માહિતી આપી હતી કે પીએમ મોદીનું ટ્વિટર હેન્ડલ સુરક્ષિત છે.
 
 
પીએમ મોદીના ટ્વિટર હેન્ડલ પરથી થયા બે ટ્વિટ
 
હેકર્સે પીએમ મોદીના ટ્વિટર હેન્ડલ પરથી બે ટ્વિટ કર્યા હતા. પ્રથમ ટ્વિટ શનિવારે મોડી રાત્રે 2:11 વાગ્યે કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'ભારતે સત્તાવાર રીતે બિટકોઈનને કાયદેસર બનાવ્યું છે. સરકારે 500 BTC ખરીદી છે અને તેને સામાન્ય લોકોમાં વહેંચી રહી છે. ભારત જલ્દી કરો... ભવિષ્ય આજે આવ્યુ છે!’ બે મિનિટ સુધી આ ટ્વિટ પીએમ મોદીના ટ્વિટર હેન્ડલ પર રહ્યુ અને પછી ડિલીટ થઈ ગયુ. 
 
પીએમ મોદીનું એકાઉન્ટ હેક કર્યા બાદ કરવામાં આવેલ ટ્વીટ જે બાદમાં ડીલીટ કરવામાં આવ્યું હતું
 
આ પછી, બીજુ  ટ્વિટ માત્ર 3 મિનિટના અંતરે જ એટલે કે રાત્રે  2.14 વાગ્યે કરવામાં આવ્યુ હતુ. જેમાં પહેલાની ટ્વિટના શબ્દોનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. પરંતુ થોડીવારમાં તે પણ કાઢી નાખવામાં આવ્યું. જો કે, ત્યાં સુધીમાં પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવેલા આ ટ્વિટ્સના સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયા હતા.
 
PMOએ શું કહ્યું?
વડા પ્રધાનના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટના હેકિંગ સંબંધિત માહિતી આપતા, પીએમઓએ કહ્યું કે પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી, જેને તરત જ સુધારી લેવામાં આવી હતી. ટ્વિટરને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે. સાથે જ પીએમઓએ કહ્યું કે આ દરમિયાન પીએમ મોદીના એકાઉન્ટમાંથી કરવામાં આવેલા ટ્વીટને નજરઅંદાજ કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર