પીએમ મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ સાથે કરી મુલાકાત, આ મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા
મંગળવાર, 22 એપ્રિલ 2025 (00:33 IST)
JD Vance family
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ તેમના પરિવાર સાથે ભારતની મુલાકાતે છે. સોમવારે સાંજે જેડી વેંસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. પીએમ મોદીએ લોક કલ્યાણ માર્ગ પર પીએમ નિવાસસ્થાને જેડી વાન્સ અને તેમના પરિવારનું સ્વાગત કર્યું. તમને જણાવી દઈએ કે આ પહેલા, યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ અને તેમની પત્ની ઉષા સોમવારે સવારે લગભગ 9.30 વાગ્યે નવી દિલ્હીના પાલમ એરબેઝ પર ઉતર્યા હતા. તેઓ ભારતની 4 દિવસની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી અને જેડી વાન્સે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
બંને નેતાઓએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા
પીએમ મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને તેમના પરિવારનું સ્વાગત કર્યું અને ગયા જાન્યુઆરીમાં તેમની વોશિંગ્ટન મુલાકાત અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની ચર્ચાઓને યાદ કરી. પીએમ મોદી અને જેડી વાન્સે આ વર્ષની શરૂઆતમાં પેરિસમાં તેમની મુલાકાત પછી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. બંને નેતાઓએ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારમાં પ્રગતિ અને ઊર્જા, સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજીમાં સહયોગને આગળ વધારવાના પ્રયાસોનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ પરસ્પર હિતના અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે તેઓ આ વર્ષના અંતમાં તેમની ભારત મુલાકાતની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે આગળ વધવા માટે સંવાદ અને કૂટનીતિ અપનાવવાનું આહ્વાન કર્યું.
PM મોદીએ બેઠક વિશે આપી માહિતી
જેડી વેંસ સાથેની મુલાકાત અંગે, પીએમ મોદીએ X પર લખ્યું- "નવી દિલ્હીમાં યુએસ ઉપરાષ્ટ્રપતિ અને તેમના પરિવારનું સ્વાગત કરીને આનંદ થયો. મેં મારી યુએસ મુલાકાત અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાત પછી થયેલી ઝડપી પ્રગતિની સમીક્ષા કરી. અમે વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ, ઉર્જા સહિત પરસ્પર ફાયદાકારક સહયોગ માટે પ્રતિબદ્ધ છીએ. ભારત-યુએસએ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી આપણા લોકો અને વિશ્વના સારા ભવિષ્ય માટે 21મી સદીની નિર્ણાયક ભાગીદારી હશે."
Pleased to welcome US @VP@JDVance and his family in New Delhi. We reviewed the fast-paced progress following my visit to the US and meeting with President Trump. We are committed to mutually beneficial cooperation, including in trade, technology, defence, energy and… pic.twitter.com/LRNmodIZLB
દિલ્હી પહોંચ્યા પછી, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેંસ, તેમની પત્ની ઉષા વેંસ અને તેમના બાળકોએ દિલ્હી સ્થિત પ્રખ્યાત અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી. યુએસ ઉપરાષ્ટ્રપતિના બાળકો પરંપરાગત ભારતીય પોશાક પહેરેલા જોવા મળ્યા જેમાં અનારકલી સુટ, કુર્તા અને પાયજામાનો સમાવેશ થાય છે. જેડી વેંસએ પત્ની ઉષા સાથે મંદિરમાં પ્રાર્થના કરી.
જેડી વાન્સ જયપુર અને આગ્રાની મુલાકાત લેશે
જેડી વાન્સ અને તેમનો પરિવાર જયપુર અને આગ્રાની પણ મુલાકાત લેશે. વાન્સ પોતાના પરિવાર સાથે ખાસ ફ્લાઇટ દ્વારા જયપુર જશે અને ત્યાં રામબાગ પેલેસ હોટેલમાં રોકાશે. તેઓ મંગળવારે સવારે જયપુરના આમેર કિલ્લા પહોંચશે અને બપોરે 3 વાગ્યે RIC ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરશે. આ પછી, વાન્સ બુધવારે તેના પરિવાર સાથે આગ્રા જશે. તેઓ બપોરે જયપુર પાછા ફરશે અને સિટી પેલેસ જશે. આ પછી, વાન્સ અને તેનો પરિવાર ગુરુવારે સવારે અમેરિકા જવા રવાના થશે.