ઝારખંડ: મુસાફરોથી ભરેલી બસ નદીમાં પડી, 6ના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ
રવિવાર, 6 ઑગસ્ટ 2023 (12:15 IST)
મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી- ઝારખંડના ગિરિડીહમાં એક મોટો અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ અચાનક નદીમાં પડી ગઈ, જેના પછી 6 લોકોના મોત થયા. જ્યારે 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.
બસ પડવાની માહિતી મળતા જ જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. બચાવ કામગીરી બાદ ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઝારખંડના આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું છે કે સરકાર જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર ઘાયલોને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.
અકસ્માતગ્રસ્ત બસ રાંચીથી ગિરિડીહ તરફ જઈ રહી હતી. બસ અચાનક ગિરિડીહ-ડુમરી રોડ પર પહોંચી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. બસ રેલિંગ તોડીને 50 ફૂટ નીચે નદીમાં પડી હતી.