ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)ના સિનિયર એડવાઇઝર ડો. તપન મિશ્રાએ દાવો કર્યો છે કે ત્રણ વર્ષ પહેલા તેમને ઝેર આપીને મારવાની કોશિશ થઈ હતી. તેમણે જણાવ્યુ, 23 મે 2017 ના રોજ ઈસરો મુખ્યાલયમાં પ્રમોશન ઈંટરવ્યુ દરમિયાન તેમને ખતરનાક આર્સેનિક ટ્રાઈઑક્સાઈડ આપવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ કે તેઓ ઈચ્છે છે કે ભારત સરકાર આની તપાસ કરે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લીકેશન સેંટરના પૂર્વ નિદેશક મિશ્રાએ મંગળવારે ફેસબુક પોસ્ટ લખીને લાંબા સમયથી રહસ્ય બનેલ આ વાતનો ખુલાસો કર્યો. મિશ્રાના કહેવા મુજબ બપોર પછી નાસ્તામાં તેમને ડોસા સાથે આપવામાં આવેલ ચટણીમાં ઝેર ભેળવીને આપવામાં આવ્યુ હતુ. હાલ ઈસરોમાં વરિષ્ઠ સલાહકારના રૂપમાં કામ કરી રહેલ મિશ્રા આ મહિનાના અંતમાં સેવામુક્ત થઈ જશે. જો કે તેમને એ જાણ નથી કે ઝેર કોણે અને કેમ આપ્યુ.
તેમણે લખ્યું છે કે જુલાઈ 2017 માં, ગૃહ વિભાગના સુરક્ષા અધિકારીઓએ આર્સેનિકથી થનારા જોખમો અંગે તેમને ચેતવણી આપી હતી. મિશ્રાએ કહ્યું કે તેમણે ડોકટરોને આપેલી માહિતીને કારણે તેમની સચોટ સારવાર કરવામાં આવી અને તે બચી ગયા. જો કે ઝેરની શરીર પર એટલી ખરાબ અસર થઈ હતી કે તેમને લાંબા સમય સુધી સારવાર લેવી પડી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ, ફંગલ ઇન્ફેક્શન અને ત્વચાની ઘણી સમસ્યાઓ થઈ હતી. તેમણે પોતાનો ટેસ્ટ રિપોર્ટ, સારવારનુ પ્રિસ્ક્રીપ્શન અને ત્વચાની સમસ્યાઓના ફોટા પણ ફેસબુક પર પોસ્ટ કર્યા છે.