દિલ્હીની જેમ સૌરાષ્ટ્રમાં પણ ધૂમ્મસ છવાતા વાહન વ્યવહારને અસર
શનિવાર, 10 ડિસેમ્બર 2016 (12:33 IST)
ધૂમ્મસની અસર દિલ્હી સહિતના રાજ્યોમાં જોવા મળી રહી છે ત્યારે દિવસે દિવસે ઠંડી વધી રહી છે અને હવે સૌરાષ્ટ્રમાં પણ ધૂમ્મ્સની અસર જોવા મળી રહી છે. રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું. ધુમ્મસના કારણે દુર કંઈપણ જોઈ શકાતું ન હતું. જ્યાં જુઓ ત્યાં હતું તો માત્રને માત્ર ધુમ્મસ. ધુમ્મસના કારણે માર્ગો પર સવારે સાડા આઠ વાગ્યા સુધી વાહનચાલકોને લાઇટો ચાલુ રાખીને વાહનો ચલાવવા પડયા હતા. આગળ જતું વાહન 50 ફૂટના અંતરે દેખાતું ન હતું. વહેલી સવારથી જ છવાયેલા ધુમ્મસને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વાહનોની ગતિ એકદમ ધીમી છે અને લાઈટો ચાલુ રાખીને વાહનો શહેર અને નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે પર વાહનો પસાર થઈ રહ્યા છે. જો કે અત્યાર સુધી ધુમ્મસના કારણે સદનસીબે ક્યાંય દૂર્ઘટના નથી બની.