ગોવા અને પંજાબમાં વિધાનસભા માટે મતદાન શરૂ

શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (08:20 IST)
ગોવામાં 40 બેઠકો અને પંજાબમાં 117 બેઠકોની વિધાનસભા માટે આજે મતદાન છે. ગોવામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું, જ્યારે પંજાબમાં 8 વાગ્યાથી મતદાનનો આરંભ થયો છે.

ગોવા અને પંજાબ બંને રાજ્યમાં આજે એક જ ચરણમાં મતદાન પૂરું કરાશે. આજે સવારથી જ બંને રાજ્યમાં લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.

 પંજાબ લોકસભાની ૪ બેઠકો જીત્યા પછી આમ આદમી પાર્ટી પહેલી વાર પંજાબ અને ગોવામાં ચૂંટણી લડી રહી છે. તેના વડા કેજરીવાલ જીતવા માટે બંને રાજ્યોને ખૂંદી વળ્યા છે. બીજી તરફ બાદલ પરિવાર પર ભ્રષ્ટાચાર, ડ્રગ્સનું દૂષણ અને કાયદો-વ્યવસ્થાના આક્ષેપો થયા છે. અકાલી અને ભાજપ ગઠબંધન દ્વારા કેજરીવાલ પર આઉટસાઇડરના અને ત્રાસવાદીઓને રક્ષણ આપવાના આક્ષેપો કરાયા છે. પંજાબમાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે, પંજાબમાં જે દિગ્ગજો ચૂંટણી લડી રહ્યા છે તેમાં કોંગ્રેસના ચીફ અમરિન્દરસિંહ, મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ, તેમના પુત્ર અને નાયબ મુખ્ય પ્રધાન સુખબીરસિંહ બાદલ, આપના સાંસદ ભગવંત માન, મહેસૂલપ્રધાન બિક્રમસિંહ મજીઠિયા, ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો