કોરોનાએ બદલી ચારધામની પરંપરા - પહેલીવાર ફક્ત 15-16 લોકોની હાજરીમાં ખુલ્યા કેદારનાથના કપાટ

બુધવાર, 29 એપ્રિલ 2020 (11:04 IST)
કેદારનાથ ધામના કપાટ  બુધવારે સવારે 6.10 વાગ્યે ખુલી ગયા. ઉત્તરાખંડનું આ 1000 વર્ષ જૂનું આ મંદિર દર વર્ષે શિયાળાના છ મહિના સુધી બંધ રહે છે. આ વખતે કપાટ ખુલવાના સમયે માત્ર 15-16 લોકો હાજર હતા. ગયા વર્ષે કપાટ ખોલવાના દિવસે 3 હજાર લોકોએ કેદારનાથના દર્શન કર્યા હતા. કેદારનાથ મંદિરના રાવલ, કપાટ ખોલતી વખતે હાજર નહોતા, તેઓ ક્વોરંટાઈન છે. 
 
દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડો.હરીશ ગૌરે જણાવ્યું હતું કે કપાટ ખોલ્યા પછી સૌથી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે પૂજા કરવામાં આવી હતી. PM નરેન્દ્ર મોદીએ આ ખાસ અવસરે મંદિર સમિતિને ગંગોત્રીમાં 1100 રૂપિયાનું દાન આપ્યુ છે.આ દરમિયાન સોશિયલ ડિસ્ટેસિંગનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ. 
 
લોકડાઉન વચ્ચે આ વખતે 27મી એપ્રિલના રોજ વાર્ષિક પંચમુખી ડોલી યાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ આ વખતે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે  આ યાત્રામાં કોઇપણ તીર્થયાત્રી સામેલ થયા નહોતા. આ યાત્રા ચાર ધામ તીર્થ યાત્રાનો એક ભાગ છે અને સામાન્ય રીતે દર વર્ષે 1000થી વધુ તીર્થયાત્રીઓની સાથે સેનાના ત્રણ કુમાઓ બટાલિયન તેનું નેતૃત્વ કરે છે.
 
ઉત્તરાખંડમાં આવેલા ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને ચાર ધામના નામથી ઓળખાય છે અને દરવર્ષે આ મંદિરોના કપાટ ખોલવાના સમયે હજારો શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. પરંતુ આ વખતે ત્રણ મે સુધી લોકડાઉન વધારવાના લીધે આ યાત્રામાં કોઇપણ શ્રદ્ધાળુ સામેલ થયા નથી.
 
વાતાવરણની વાત કરીએ તો આ સમયે અહીં કડકડતી ઠંડી હોય છે. આમ છતાં શ્રદ્ધાળુઓ ખુબજ આસ્થા અને ભક્તિ સાથે આ યાત્રામાં જોડાય છે. જો કે આ વખતે કોઈ શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાઈ શક્યા નહી. ગંગોત્રી, યમુનોત્રીના ખુલ્યા કપાટ. 
 
આ પહેલા અક્ષય તૃતીયાના શુભ અવસર પર ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા. આની સાથે જ ચારધામ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર