રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. સોમવારે 12 થી વધુ કેસ નોંધાય છે. ત્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં અમદાવાદ રેલવે દ્રારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફરીથી પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કરવામાં આવ્યો છે. હવે પ્લેટફોર્મ ટિકિટ માટે 10 ના બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે અગાઉ વડોદરામાં ભાવવધારો કરાયો હતો.
અમદાવાદમાં રેલવે પ્લેટફોર્મની ટિકિટની કિંમતમાં વધારો થતાં હવે ટીકીટ લેવા 10ને બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. કોરોનાના કેસ વધતા લોકોની ભીડ જમા ન થાય તેના માટે રેલવે તંત્રએ આ નિર્ણય લીધો છે. હવે કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરાશે તેવું જાણવા મળી રહ્યું છે. પશ્ચિમ રેલવેમાં ગુજરાતના અમદાવાદ મંડળે મુખ્ય સ્ટેશનો પરના પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના હેતુથી 18 જાન્યુઆરીથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભૂજ, મણીનગર અને સાબરમતી સ્ટેશનો પર કામચલાઉ રીતે પ્લેટફોર્મ ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યો છે. રેલવે ઑથોરિટી દ્વારા મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે, પ્લેટફોર્મ અને સ્ટેશનો તથા ટ્રેનોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરે.