કર્ણાટકના શિમોગા જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ટ્રકમાં ભરીને લઈ જઈ રહેલ વિસ્ફોટ (ડાયનામાઇટ) ફૂટ્યો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. માનવામાં આવે છે કે આ વિસ્ફોટકો માઇનિંગના હેતુથી લઈ જવામાં આવી રહ્યો હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેના આંચકા આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. આ માહિતી પોલીસે આપી હતી.
ગુરુવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે આ ઘટના બની હતી. રાત્રે પથ્થર તોડનારી એક જગ્યાએ વિનાશક વિસ્ફોટ થયો, વિસ્ફોટ એટલો ભયંકર હતો કે જેનો આંચકો માત્ર શિમોગા જિલ્લામાં જ નહીં, પરંતુ ચિકમગલગુરુ અને દવનાગિરી જિલ્લાઓમાં પણ અનુભવાયો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘરોની બારીના કાચ તૂટી ગયા હતા અને રસ્તાઓ પર તિરાડો પડી હતી. વિસ્ફોટ પછી એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય. આ પછી તરત જ ભૂસ્તરશાસ્ત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો, જેમણે ભૂકંપ આવ્યાની વાત નકારી હતી
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોના મોતના સમાચાર આવી રહ્યા હતા. હવે શિવમોગા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શિવકુમારે કહ્યું છે કે હુનાસોડુ ગામમાં રેલ્વે ક્રશર સાઇટ પર ડાયનામાઇટનો ધડાકો હતો, જેમાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત નીપજ્યાં છે. વિસ્ફોટ શિવમોગા શહેરથી આશરે 5-6 કિ.મી.ના અંતરે થયો હતો. અત્યારે પોલીસ સ્થળ પર છે અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. પોલીસ ફોર્સ સ્થળ પર હાજર છે અને ઘટનાના કારણ અને ગંભીરતાની આકારણી કરવાના પ્રયાસો ચાલુ છે.