અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ. બાપુની તસવીરને સુતરની આંટી અર્પી ભાવાંજલી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પનું ખેસ ઓઢાડી સ્વાગત કર્યું હતું. ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાનનું સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઇએ સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને ગાંધી આશ્રમ સંબંધિત જાણકારી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પે ચરખો કાંત્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને જાપાનના બૌદ્ધ સાધુએ પૂ.મહાત્મા ગાંધીજીને વર્ધામાં ૧૯૩૩માં ભેટમાં આપવામાં આવેલ ત્રણ વાંદરાની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.
આશ્રમ દ્વારા પૂ.બાપુની આત્મકથા, ચરખો તથા પૂ.બાપુએ લખેલ તારિજ અમેરિકાના રાષ્ટ્રપતિશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા. ગાંધી આશ્રમ સંચાલિત વિનય મંદિર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા પૂ.બાપુના પ્રિય ભજન ‘વૈષ્ણવ જનરે....’ અને ‘રઘુપતિ રાઘવ...’ નું ગાન કર્યું હતું.
આ પ્રસંગે અમેરિકાના રાષ્ટ્રપતિની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને તેમના જમાઇ જરેડ કુશનેર, વરિષ્ઠ સચિવ મમતા વર્મા, કલેકટર કે.કે.નિરાલા, આશ્રમના ટ્રસ્ટીઓ તથા આશ્રમવાસીઓ હાજર રહ્યા હતા.