24 અને 25 ફેબ્રુઆરીએ અમદાવાદ આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, સત્તાવાર કાર્યક્રમ જાહેર

મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (08:27 IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તા. 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત આવશે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ પણ તેમની સાથે હશે. વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, ટ્રમ્પ દંપતી નવી દિલ્હી ઉપરાંત અમદાવાદની મુલાકાત લેશે.
 
કેટલાક અહેવાલ મુજબ, આ યાત્રા દરમિયાન ટ્રમ્પ તથા મોદી અમદાવાદમાં આવેલાં મોટેરા ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. અમેરિકાના ટેક્સાસમાં આયોજિત 'હાઉડી મોદી'ની તર્જ ઉપર સંયુક્ત કાર્યક્રમને સંબોધશે. આ સ્ટેડિયમમાં એક લાખ 10 હજાર પ્રેક્ષકોની બેઠકક્ષમતા ધરાવે છે.
 
પ્રેસ રિલીઝમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 'હોમ સ્ટેટ' છે તથા ભારતની આઝાદીની ચળવળને નેતૃત્વ પૂરું પાડનાર મહાત્મા ગાંધીના જીવનમાં ગુજરાતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
 
આ યાત્રા દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન તથા દેશના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની સાથે રહેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તથા જાપાનના વડા પ્રધાન શિંજો એબે પણ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર