પારૂલ ઈંસ્ટીટ્યુટ રેપ - સ્ત્રીનું અપમાન પુરૂષો ક્યા સુધી કરતા રહેશે..?

કલ્યાણી દેશમુખ

મંગળવાર, 21 જૂન 2016 (12:56 IST)
ભારતમાં બળાત્કારના કેસ દિવસો દિવસ વધતા જ જઈ રહ્યા છે.  ફરી એકવાર એક યુવતીનું શીલભંગ થયુ.  શિક્ષક જગતના જાણીતા સંચાલકે જ વડીલોને શરમાવે તેવુ કૃત્યુ આદર્યુ. દરેક વખતે જ્યારે કોઈ કેસ બને ત્યારે ચારેબાજુથી હાહાકાર થાય છે.. લોકો આંદોલનો કરે છે.. નવા નવા કાયદાઓ બનવાની તૈયારીઓ થઈ જાય છે પણ એકાદ મહિના પછી બધી ગુસ્સાની આગ પર બરફનુ પાણી રેડાય ગયુ હોય તેમ ઠંડક થઈ જાય છે. આ એટલા માટે તો નહી કે કાયદો બનાવનાર પુરૂષ છે અને ગુન્હો કરનાર પણ પુરૂષ ? કે પછી જ્યા સુધી કોઈ મોટા નેતાનુ કોઈ સંબંધી આનો ભોગ ન બને ત્યા સુધી કોઈની આંખ નહી ખુલે.. કે પછી તેમને બીક લાગે છે કે એક દિવસ તેઓ કે તેમના નબીરાઓ જ આ કાયદામાં જકડાઈ જશે ? સ્ત્રીઓની સુરક્ષા અંગે ફક્ત ભાષણો જ ક્યા સુધી સાંભળતા રહીશુ.. સ્ત્રીઓને સુરક્ષા નહી સન્માન પણ જોઈએ. 
 
ક્યા સુધી તમે તમારી છોકરીઓને જ સલાહ આપતા રહેશો કે આવુ ધ્યાન રાખજે તેવુ ધ્યાન રાખજે... દરેક પર વિશ્વાસ ન કરીશ... હવે તો એવુ લાગે છે કે છોકરીઓને એવુ શીખવાડવાની પણ જરૂર નથી કે તુ વડીલોને પગે લાગજે.. કારણ કે ક્યારે કયા વડીલનો પ્રેમભર્યો હાથ કયા બદઈરાદાથી ફરે એ કહેવાય નહી.. મતલબ મને એ કહેવામાં હવે શરમ નથી આવતી કે યુવતીઓ પર આશીર્વાદ માટે ઉઠતા વડીલોના હાથની પણ હવે તો બીક લાગે છે. 
 
દરેક વખતે યુવતીઓને શીખવાડવાને બદલે ક્યારેક ઘરના છોકરાઓને પણ શીખવાડવુ જોઈએ કે ક્યારેય પણ કોઈ યુવતીના સન્માન સાથે રમત ન રમીશ નહી તો હુ જાતે જ તને જેલભેગો કરીશ. ઘરમાંથી જ તેને પોતાની બહેન અને અન્ય સ્ત્રીઓનું સન્માન કરતા શીખવાડો.. બે ભાઈ-બહેનના ઝગડામાં હંમેશા છોકરીઓને જ ચૂપ બેસવાનુ કહેવામાં આવે છે. દરેક પુત્રની માતા પુત્રીને આવુ જ કહેતી જોવા મળશે... જવા દે  છોકરાઓ તો આવા જ હોય છે....., બેટા છોકરાઓ તો રખડુ જ રહેવાના.. આ સાંભળતા સાંભળતા વર્ષો વીતી ગયા અને જેના પરિણામો આજે ભોગવવા પડી રહ્યા છે.. તો શુ તમે તમે હવે એવુ કહેશો કે થવા દો બળાત્કાર, પુરૂષો તો આવા જ હોય છે ? 
 
એવા વડીલો જે આ રીતે યુવતીઓ સાથે તમામ હદો ભૂલી જઈને તેમના વિશ્વાસ પર છરો ખૂંપાવી દે છે તેવા વડીલોની જીવતા જીવત સ્મશાનયાત્રા કાઢવી જોઈએ.  તેમને સજા ન મળી શકે તો તેમને સમાજમાં એટલા અપમાનિત કરી નાખવા જોઈએ કે ક્યારેક બીજા કોઈ આવુ કરવાનું વિચારી પણ ન શકે.... 
 
ઘરમા છોકરીઓને હંમેશા તૂ ચૂપ બેસ.. તૂ ચૂપ બેસ... ન કરશો.. તેમને ચૂપ રહેવાની આદત પડશે તો તે પોતાની સાથે થયેલા અન્યાયને લઈને પણ ચૂપ જ બેસશે... કોઈ યુવતી સાથે શારીરિક છેડછાડ થાય છે તો એમા તેને કે તેના ઘરના લોકોએ શરમ કરવાની જરૂર નથી.. શરમ તો એમને આવવી જોઈએ જે સ્ત્રીના શરીરને રમકડું સમજીને રમવા ઈચ્છે છે... આપણે શરમ કરવાને બદલે આવા માણસોને દરેક રીતે એટલા શરમાવી નાખો કે તે પોતે જ શરમથી મરી જાય...બસ એ જ શુભેચ્છા કે દરેક પુત્રીનુ જીવન હંમેશા હસતા-ખીલતા ફુલ જેવુ જ મહેંકતુ રહે.. 

વેબદુનિયા પર વાંચો