માયાની 'માળા' માં પોરવાયો સામાન્ય માનવી

જનકસિંહ ઝાલા

બુધવાર, 17 માર્ચ 2010 (12:26 IST)
“માયા ઓ માયા!” તું એવી કેવી માયા?
જો તો ખરી લોક તારી પાછળ રઘવાયા.

PIB
PIB
નંદીની પારેખની કવિતાના આ બોલ આજે સાચા લાગે છે. 'માયા' પાછળ આજે તમામ લોકો રઘવાયા થઈ ચૂક્યાં છે. ખૈર ઉપરોક્ત લાઈનોમાં કવિયત્રીએ તો ભૌતિક સુખ પ્રદાન કરનારી માયાનો ઉલ્લેખ કરેલો પરંતુ હું તો બસપા પ્રમુખ અને ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીની વાત કરી રહ્યો છું. છેલ્લા બે-ત્રણ દિવસ સુધી લોકસભામાં પણ આ આ 'માયાની માળા' એ સૌને ગાંડા કરી મૂક્યાં.

બન્યું એવું કે, ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીના ગળામાં કોઈએ હાર પહેરાવી દીધો. પ્રશ્ન એવો પણ થાય કે, તેમાં નવાઈની શું વાત છે. રાજનેતાઓને હાર ન પહેરાવવામાં આવે તો પછી શું તમારા, મારા જેવાના ગળામાં પહેરાવવામાં આવે ?

પણ મિત્રો આ હાર કોઈ ફૂલહાર ન હતો રૂપિયાનો હાર હતો. તેમાં હજાર હજાર રૂપિયાની કડક કડક નોટો લગાડેલી હતી. શરૂઆતમાં અમુક બુદ્ધિજીવીઓએ પોતાનો તર્ક લગાડતા એમ પણ વિચાર્યું કે, કદાચ નોટો નકલી હશે પણ નહીં તેની તમામ નોટો અસલી હતી.

જેવી જ ખબર પડી કે, આ હાર અસલી નોટોનો હાર છે કે, તરત જ સફેદ ટોપી પહેરીને ફરી રહેલા સમાજવાદી પાર્ટીના નેતાઓ હાથમાં કાળુ કેલ્યુલેટર લઈને હિસાબ માંડવા લાગ્યાં કે, તેમાં કેટલા રૂપિયાની નોટો છે અને છેલ્લે બધાએ એક ફાઈનલ ફિગર કાઢ્યો કે, ભાઈ આ હાર તો 51 કરોડનો છે. કોંગ્રેસીઓએ પણ કહી દીધું કે, અમને પણ હિસાબ કરવા દો.. અને આશ્વર્ય આ વખતે બન્નેના સરવાળા સાચા મળ્યાં. બસ પછી તો બધાએ ભેગા મળીને લોકસભાને માથે લીધી. સપા નેતા મુલાયમ સિંહ યાદવ અને કોંગ્રેસની જગદંબિકા પાલે ખુબ જ હોબાળો મચાવ્યો અને સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી. બીજી વખત પણ ખુબ શોરબકોર થતા થાકેલા, હારેલા ઉપસભાપતિએ લોકસભાને 12 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી.

બિચારી માયાવતી.. આમપણ તેના ગ્રહો આ મહિને થોડા વિરુદ્ધ દિશામાં ફરી રહ્યાં છે. કદાચ તમામ ગ્રહો ઉનાળુ રજાઓ પર વેકેશન માણવા ગયાં છે. એક તો પહેલીથી જ રેલીના નામ ઉપર 200 કરોડ રૂપિયાનું આંધણ કરવા પર માયાવતી આલોચનાઓ ભોગવી રહી છે અધુરામાં પૂરુ આ કરોડો રૂપિયાના હારે આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. આશ્વર્ય તો એ વાતને લઈને પણ થાય છે કે, આખરે આ હાર પહેરાવ્યો કોણે તે હજુ સુધી જાણી શકાયું નથી. પહેલા વાત એવી પણ સામે આવી કે, બસપાના કર્ણાટક પ્રદેશ એકમે આ હાર પહેરાવ્યો છે પરંતુ જેવો આ વિવાદ વકર્યો કે, તરત જ તેણે ધડમૂડથી ના પાડી દીધી.

ખૈર મહત્વપૂર્ણ એ પણ નથી કે, આ માળા બસપા ના ક્યા પ્રદેશ એકમ તરફથી પહેરાવમાં આવ્યો મહત્વપૂર્ણ એ છે કે, પછાત અને ગરીબોના નામ પર રાજનીતિ કરનારી માયાવતી નબળા તબક્કાઓના લોકો પાસેથી કોઈના કોઈ માધ્યમ થકી નાણા એકત્ર કરવામાં કેટલું મહારથ ધરાવે છે. લખનૌમાં 10-15 લાખ લોકોને જમા કરીને મહારૈલીના નામ પર કરોડો રૂપિયા ફૂંકવાથી દલીતોનું કેટલું કલ્યાણ થાય છે એ તો હવે બસપા જ જણાવી શકે પણ રાજનીતિમાં થોડી ઘણી પણ રૂચિ રાખનારો આજનો બુદ્ધિજીવી એ વાત ભલીભાતિ જાણે અને સમજે છે કે, આવી રૈલીઓ અને હાર પહેરાવીને અંતે કોનું ભલુ થાય છે.

એક શાયરની હિન્દીમાં લખેલી બે લાઈનો યાદ આવે છે कहीं जलते हैं चिराग-ए-घी, तो कहीं तेल को तरसते दीए देखे।. માયાવતી પણ જ્યારે નાની હતી ત્યારે તેણે તેલના દીવાઓ જ જોયેલા. મધ્યમ પરિવારમાં જન્મેલી માયાના પિતા દૂરસંચાર વિભાગમાં એક સામાન્ય કર્લાર્ક હતાં.
ND
N.D


એકવીસ વર્સની ઉમરમાં બીએડ કરીને દિલ્હીની ઈંદ્રપુરી સ્કૂલમાં સાત વર્ષ સુધી શિક્ષકની નોકરી કરીને જીવન ધોરણ ચલાવનારી માયાવતીના રાજનીતિમાં આવ્યાં ગતવર્ષ તે સર્વાધિક આવકવેરો (26 કરોડ રૂપિયા) આપનારી રાજનેતા બની ગઈ છે. આખરે તેની પાછળનું રહસ્ય શું હોય શકે ? માયાવતી ન તો કોઈ ઉદ્યોગપતિ પરિવારથી આવે છે અને ન તો શેરબજારમાંથી તે વર્ષ ભરમાં 75-80 કરોડ રૂપિયા કમાય છે. તો પછી આટલા બધા નાણા ક્યાંથી તેણે એકત્ર કર્યા ?

પડદા પાછળ કાળી કમાણી કરનારા રાજનેતાઓને પાછળ છોડતા માયાવતીએ સાર્વજનિક રીતે આ પ્રકારના કરોડો રૂપિયાનો સ્વીકાર કરીને આપણી અર્થવ્યવસ્થાનો મજાક ઉડાવ્યો છે. માળાના નામ પર બ્લેકમનીને વ્હાઈટમનીમાં ખુલ્લેઆમ ફેરવવામાં આવી રહી છે અને આવકવેરા વિભાગ પણ હજુ હાથ પર હાથ ધરીને બેઠું છે. શુ આ ઉચિત અને યોગ્ય છે ?

શુ એટલા માટે માયાવતી તાકાતવર રાજનેતા છે કારણ કે, તે એ વોટબેન્કનું પ્રતિનિધિત્વ કરી રહી છે જેને કોઈ રાજનૈતિક પક્ષ નારાજ કરવા ઈચ્છતો નથી. એવું કરીને શું માયાવતી ગરીબ અને પછાત લોકોનું ભાવનાત્મક શોષણ નથી કરી રહી ?

આમ પણ વિવાદોમાં રહેવાનો માયાવતીને જૂનો શોખ છે. ' તાજ કોરિડોર વિવાદ' હોય કે, લખનૌમાં સરકારી નાણાથી કરોડો રૂપિયાની મૂર્તિઓ લગાડવાનો મામલો હોય માયાવતીને તેનાથી કોઈ વાંધો નથી. તે એવું માની બેઠી છે કે, જેટલા વિવાદો તેની સાથે જોડાશે જેટલા પણ આરોપ તેની પર લાગશે તેટલી જ તે તાકાતવર થઈને બહાર આવશે ? પરંતુ આપણા લોકતંત્રનું શું ?

Last But Not In List

માયાવતી એક વખત લાલૂ પ્રસાદને ઘરે બકરી લઈને ગઈ...
લાલુ : અરે ભેંસવા ક્યોં સાથ મે લાયે હો ?
માયા : દિખતા નહીં યે ગોટ્વા હૈ ?
લાલુ : હમ ગોટ્વા સે હી તો પુછ રહા હૂઁ !

વેબદુનિયા પર વાંચો