થૂં છે આવા નેતાઓને !

હરેશ સુથાર

રવિવાર, 28 ડિસેમ્બર 2008 (23:40 IST)
આઝાદી બાદ લોખંડી પુરૂષ સરદાર પટેલ હતા કે જેમણે કાશ્મીરને પાકિસ્તાનમાં ભળતું અટકાવ્યું હતું. પરંતુ આજના નફ્ફટ અને લુચ્ચા રાજનેતાઓ કાશ્મીરને પાકિસ્તાન તરફ સરકાવી રહ્યા છે. ખુલ્લેઆમ આ બધુ થઇ રહ્યું છે તો પણ આપણી કેન્દ્ર સરકાર કુંભકર્ણની જેમ ખુલ્લી આંખે પોઢી રહી છે.

દેશમાં શાંતિ અને સલામતીની વાતો કરતા આપણા રાજકારણીઓ કેટલા નાલાયક છે એનું ઉદાહરણ આજે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલાએ આપ્યું છે. આ નેતાએ જાહેરમાં કરેલા નિવેદન પરથી તેમને એક ભારતીય કેવા કે કેમ એ મોટો સવાલ થાય છે. તેમણે કરેલા નિવેદનો પરથી પાકિસ્તાન અને ત્રાસવાદ સાથેના કુણા સંબંધો સીધા તરવરી આવે છે.

રાજ્યની યોજાયેલી ચૂંટણીમાં એક મોટા પક્ષ તરીકે ઉપસી આવેલા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલા જીતના ઉન્માદમાં પોતાનો અસલી ચહેરો આજે જાહેરમાં ઢાંકી ના શક્યા અને તેમના જ મોંએ તેમની પોલ ખોલી દીધી કે તેઓ ભારત કરતાં વધુ પાકિસ્તાની છે !

તેમણે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થઇ તે માટે પાકિસ્તાન સરકાર અને ત્રાસવાદી સંગઠનનો આભાર માન્યો હતો. તેમણે તેમના પ્રવચનમાં કહ્યું હતું કે, મારે ખૂબ નિખાલસતાથી એક બાબત કહેવી જોઇએ કે આપણે ત્રાસવાદી સંગઠનોના આભારી છીએ તેઓએ બંદુકનો ઉપયોગ કર્યો ન હતો. જો તેમણે બંદુકનો ઉપયોગ કર્યો હોત તો આપણે મુશ્કેલીમાં મુકાઇ ગયા હોત. પણ હું માનુ છું કે, પાકિસ્તાની સરકારે ત્રાસવાદીઓ પર દબાણ કર્યું હોવું જોઇએ. જેથી તેમણે ચૂંટણી પર અસર પડે તેવું કોઇ પગલું ના ભર્યું. વધુ નફ્ફટાઇ બતાવતાં તેમણે કહ્યું હતું કે, બધાએ હાથ મિલાવવા જોઇએ અને અલગતાવાદીઓને ટેબલ પર લાવવા જોઇએ. તેમજ શઆંતિ સધાય તે માટે સમજુતી સાધવી જોઇએ.

હદ થાય છે આવા નફ્ફટ રાજનેતાઓની. ક્યાં સુધી આપણે સુતા રહીશુ. જો હજુ પણ આપણી કેન્દ્ર સરકાર અને જનતા નહી જાગે તો આગામી સમયમાં કાશ્મીરને પાકિસ્તાનમાં ફેરવાતાં કોઇ રોકી નહી શકે. ..જાગો.....સ્વર્ગ હાથમાંથી સરકી રહ્યું છે.....

વેબદુનિયા પર વાંચો