કમાલનો કરતબી....!

જનકસિંહ ઝાલા

બુધવાર, 14 ઑક્ટોબર 2009 (11:48 IST)
ઈંદૌરનું માલવા ઉત્સવનું એ સ્ટેજ, જ્યાં ભજવ્યો ગુજરાતના એ કલાકારે કેરબાનો વેશ.

અમદાવાદમાં શ્રી શ્રી શક્તિ કલા વૃંદ નામની લોકનૃત્ય
W.D
W.D
સંસ્થા ચલાવનાર રાજેન્દ્રભાઈ રાવલ જ્યારે સ્ટેજ પર આવ્યાં ત્યારે એક મિનિટ માટે દર્શકદિર્ઘામાં બેઠલા સહુ કોઈને આશ્વર્ય થયેલું કે, ભવાઈની વેશભૂષા ધારણ કરીને આવનારો આ ગુજરાતી આખરે કેવા તે કરતબ દેખાડશે પણ તેણે જે જે કરતબ દેખાડ્યાં તે સાચે જ ભલ ભલા વ્યક્તિને મોઢામાં આંગળી નખાવી દે તેવા હતાં.


ગોળ ગોળ ઘુમરી મારતા આ કલાકારે પોતાના હાથની આગંળીઓમાં રહેલી તલવારોને હવામાં વીંઝવાનું શરૂ કર્યું. એક તરફ ગુજરાતી દુહાઓની રમઝટ અને બીજી તરફ રાજેન્દ્રભાઈનું અદ્ભુત કલા કૌશલ્ય, બન્નેએ સોનામાં સુંગધ ભેળવી. સતત દસ મિનિટ સુધી ગુજરાતનો આ કલાકાર ગોળકાર ફરતો રહ્યો.

''ક્યારેક તે પોતાના હાથમાં સાડીને પકડીને તેનો મોર બનાવી દેતો તો ક્યારેક સફેદ કપડામાંથી સંસલુ બનાવી દેતો. જેવું જ તેનું કલા પ્રદર્શન પૂર્ણ થયું કે, દર્શકગણમાં બેઠેલા અનેક લોકો તેમને ગળે લાગવા માટે સ્ટેજ સુધી આવી પહોંચ્યા.''

રાજેન્દ્રભાઈને કલાનો આ અમૂલ્ય વારસો પોતાના દાદા સ્વ. પરાશંકરભાઈ તરફથી મળેલો જેઓ પોતાના સમયના ભાવનગરના નરેશ કૃષ્ણસિંહજી ગોહિલના દરબારમાં પોતાની કલાનું પ્રદર્શન કરતાં. મહારાજા સાહેબે તેમની પ્રતિભાથી ખુશ થઈને ભેટ સ્વરૂપે એક ઘોડાગાડી પણ આપેલી.

પરાશંકરભાઈના પુત્ર અને રાજેન્દ્રભાઈના પિતા દલસુખભાઈ રાવલે પણ આ વારસો જાળવી રાખ્યો. વર્ષ 1880 માં તેમના કલા કૌશલ્યથી પ્રભાવિત થઈને ગુજરાત સરકારે 'ગુજરાત ગૌરવ પુરસ્કાર' વડે તેમનું સન્માન પણ કર્યું. એ અરસામાં રાજેન્દ્રભાઈ ખુબ જ નાના હતાં તેઓ પોતાના પિતા સાથે દરેક કાર્યક્રમોમાં જતાં. ધીરે ધીરે તેઓ પણ આ કૌશલ્યમાં પાવરધા બની ગયાં.

પછી તો રાજેન્દ્રભાઈએ કદી પણ પાછળ વડીને ન જોયું. આસામ, ગૌહાટી, મહારાષ્ટ્ર ત્યાં સુધી કે, જાપાનના ટોક્યો શહેરમાં પણ તેમના કાર્યક્રમ યોજાઈ ચૂક્યાં છે.
W.D
W.D
રાજેન્દ્રભાઈ એ સંસ્મરણો વાગોળતા જણાવે છે કે, સંગીત નાટક એકેડીમી દિલ્હીના ઉપક્રમે વર્ષ 1989 માં અમને જાપાનમાં એક કાર્યક્રમ આપવા માટેનું નિમંત્રણ મળેલું જેના માટે અમે ચાર-પાંચ જણ ગયેલા. અમારી સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક હેમંત ચૌહાણ પણ હતાં. હેમંતભાઈ એક પછી એક દુહાઓની રમઝટ બોલાવતા અને હું તલવાર વડે મારું કૌશ્લય દેખાડતો.'


કેરબાના વેશ વિષે રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે, કેરબાનો વેશ ભવાઈનો એક પ્રકાર છે જેમાં આ વેશ ભજવનાર વ્યક્તિ તલવાર વડે અલગ અલગ પ્રકારના કરતબો દેખાડતો જાય છે. અમારુ રાવલ કુટુંબ છેલ્લા કેટલાયે વર્ષોથી આ વેશને ભજવી રહ્યું છે.

રાજેન્દ્રભાઈનો પુત્ર પણ પોતાના પરિવારની આ અમૂલ્ય કલાની ધરોહરને આગળ ધપાવવા કમર કસી રહ્યો છે.


Janaksingh Zala
Sub Editor (Webdunia.Pvt.Ltd)
Mo.09754144124

વેબદુનિયા પર વાંચો