શિવરાત્રિમાં રાત્રિ શબ્દ ખુબજ સૂચક છે. અર્થાત શિવ અવતરણને રાત્રિ સાથે કોઈ સંબંધ છે. આ રાત્રિ તે કઈ રાત્રિ ? આ સમજવા આપણે પૃથ્વી ધરા પર ભજવાઈ રહેલા અનાદિ, અવિનાશી વિશ્વ નાટકના ચક્રને સમજવું પડશે. આ ચક્ર બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત્રિ એમ બે ભાગમાં વહેચાયેલું છે. બ્રહ્માના દિવસના બે ભાગ એટલે સતયુગ અને ત્રેતાયુગ અને બ્રહ્માની રાતના બે ભાગ એટલે દ્વાપરયુગ અને કળયુગ. એમ ચાર યુગનું સૃષ્ટિચક્ર અનાદિ સમયથી ચાલતું આવ્યું છે અને અનંત સુધી ચાલતું રહેશે. આ ચક્રમાં બ્રહ્માનો દિવસ અર્થાત સતયુગ, ત્રેતાયુગ તે જ્ઞાનરૂપી પ્રકાશ અથવા ઉજાસનું પ્રતિક છે તેમજ બ્રહ્માની રાત્રિ અર્થાત દ્વાપરયુગ, કળયુગ તે અજ્ઞાન રૂપી અંધકારનું પ્રતિક છે. તેમાં પણ કળયુગનો અંતિમ સમય એટલે ઘોર અંધકારનો સમય અતિ ધર્મગ્લાનિનો સમય.આ સમયે સમગ્ર વિશ્વમાં દુઃખ, અશાંતિ, ભય, ચિંતા, હિંસા,પાપચાર દુરાચાર ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય છે. આવા સમયે સ્વયં શિવ પરમાત્મા,ગીતામાં પોતે આપેલા વચન અનુસાર, સૃષ્ટિ પરીવર્તન અર્થે દિવ્ય અવતરણ કરે છે અને કળયુગી દુનિયાનો વિનાશ કરાવી નવી સતયુગી દુનિયાની સ્થાપના કરે છે. અજ્ઞાન રૂપી ઘોર અંધકારના સમયે પરમાત્મા શિવનું બ્રહ્મા તનમાં અવતરણ થતું હોવાથી શિવરાત્રિ કહેવાય છે.