મહારાષ્ટ્રની 288 બેઠકો પર આજે મતદાન, કાકા-ભત્રીજા, ઉદ્ધવ-શિંદે અને BJPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

બુધવાર, 20 નવેમ્બર 2024 (00:37 IST)
maharashtra election
મહારાષ્ટ્રમાં બુધવારે વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર મતદાન થશે. મહારાષ્ટ્રમાં અનેક પક્ષોનું ચૂંટણી ભવિષ્ય દાવ પર છે. મહારાષ્ટ્રમાં 70થી વધુ સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.  સરકાર બનાવવા માટે આ બેઠકોના પરિણામો પર ઘણું નિર્ભર રહેશે. વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ અને તેના ઉપનગરોમાં 36 બેઠકો માટેનો મુકાબલો ઘણો રસપ્રદ છે.
 
કુલ 4,136 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં  
બુધવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મહારાષ્ટ્રમાં કુલ 4,136 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 2,086 અપક્ષ ઉમેદવારો છે. ભાજપ 149 સીટો પર, શિવસેના 81 અને એનસીપી 59 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી રહી છે.
 
રાજ્યમાં લગભગ 9.70 કરોડ મતદારો 
કોંગ્રેસે 101, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. બસપા 237 સીટો પર ચૂંટણી લડી રહી છે. અન્ય નાના પક્ષો પણ મેદાનમાં છે. રાજ્યમાં અંદાજે 9.70 કરોડ મતદારો છે. મતદાન મથકો પર 2 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
 
આ નેતાઓએ લગાવી છે બધી તાકત 
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, NCP (SP)ના સુપ્રીમો શરદ પવાર, મુખ્યમત્રી  એકનાથ શિંદે, શિવસેના (UBT) વડા ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પોતપોતાના પક્ષો માટે લોકોના મત મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે.
 
શરદ પવાર અને અજિત પવારની પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા
શરદ પવારે લોકસભા ચૂંટણીમાં અજિત પવારને મોટો ઝટકો આપ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં શરદ અને અજિત પવાર વચ્ચે કોની પાર્ટીને વધુ ધારાસભ્યો મળશે. અજિત પવારના જૂથને ચૂંટણી પંચે વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તરીકે માન્યતા આપી છે. શરદ પવારને વિધાનસભા ચૂંટણીમાં પણ હરીફ જૂથને હરાવવાનો વિશ્વાસ છે, જ્યારે અજિત પવાર સારા પ્રદર્શન સાથે પુનરાગમન કરવાની આશા રાખી રહ્યા છે.
 
શિંદે vs ઉદ્ધવ શિવસેના
બીજી બાજુ જો આપણે શિવસેનાના શિંદે અને ઉદ્ધવ જૂથોની વાત કરીએ તો, બંનેએ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં હવે જનતા કોને પક્ષના વારસાના વાસ્તવિક હકદાર માને છે તે વિધાનસભાની ચૂંટણીના પરિણામો પરથી નક્કી થવાની અપેક્ષા છે. ચૂંટણી પંચે શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી છે.
 
આ બંને ગઠબંધન ચૂંટણી મેદાનમાં
મહારાષ્ટ્રમાં, શરદ પવારની NCP (SP), ઉદ્ધવની શિવસેના (UBT) અને કોંગ્રેસ વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)નો ભાગ છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી (BJP) સિવાય, શાસક ગઠબંધનમાં શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો સમાવેશ થાય છે.
 
149 સીટો પર લડી રહી છે BJ
મહારાષ્ટ્રમાં બીજેપી 149 સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે શિવસેનાએ 81 અને એનસીપીએ 59 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે, કોંગ્રેસ 101 બેઠકો પર, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 બેઠકો પર નસીબ અજમાવી રહી છે. 
 
મુંબઈનો બાદશાહ કોણ ?
શિવસેનાના બંને જૂથ 50 બેઠકો પર આમને-સામને છે. તે જ સમયે, એનસીપીના હરીફ જૂથોએ 37 બેઠકો પર એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખ્યા છે. શિવસેનાના બે જૂથો વચ્ચેની લડાઈ મુખ્યત્વે 'મુંબઈનો રાજા કોણ છે' પર કેન્દ્રિત છે.
 
પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર
વાસ્તવમાં, અગાઉ દેશની આર્થિક રાજધાનીમાં અવિભાજિત શિવસેનાનું વર્ચસ્વ હતું, પરંતુ હવે પક્ષના બંને જૂથો આમને-સામને છે. તે જ સમયે, પવાર પરિવારનો ગઢ ગણાતા પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા (શરદ અને અજિત પવાર) વચ્ચે ગાઢ લડાઈ થવાની ધારણા છે.
 
શરદ પવાર  ઉતર્યા ચૂંટણી પ્રચારમાં
શરદ પવારે તેમની ચૂંટણી રેલીઓમાં વિસ્તારના મતદારોને બળવાખોરો (અજિત પવાર અને તેમની પાર્ટીના ઉમેદવારોને) હરાવવા માટે અપીલ કરી છે. સાથે જ અજિત પવાર તેમની ફેવરમાં સહાનુભૂતિની લહેર ઊભી કરવાના ડરથી તેમના કાકા વિરુદ્ધ કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળતા જોવા મળ્યા છે.
 
લોકસભા ચૂંટણીનું આવું રહ્યું હતું પરિણામ
લોકસભા ચૂંટણીમાં NCP (SP)ને 8 બેઠકો મળી હતી, જ્યારે NCPને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. તે જ સમયે, શિવસેના (યુબીટી) 9 બેઠકો પર વિજયી હતી, જ્યારે શિવસેનાએ 7 બેઠકો જીતી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર