સુરતમાં ‘નિલેશ કુંભાણી વોન્ટેડ’નાં પોસ્ટર્સ લાગ્યાં:કોંગ્રેસ-AAPએ સાથે મળી પોસ્ટર લગાવ્યાં

ગુરુવાર, 25 એપ્રિલ 2024 (17:50 IST)
'Nilesh Kumbhani Wanted' posters found in Surat


કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું ઉમેદવારીપત્ર રદ થાય એ માટે ષડ્યંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જોકે ફોર્મ રદ થતાં સુરત લોકસભા બેઠક પર BJPને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી, આથી કોંગ્રેસમાં પણ આને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. હવે સુરતમાં ‘નિલેશ કુંભાણી વોન્ટેડ’નાં પોસ્ટર લાગ્યાં હતાં.

આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે ભાજપે નિલેશ કુંભાણી, ત્રણેય ટેકેદાર અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે. આ માટે તેમને 15 કરોડ જેવી રકમ ચૂકવવી પડી છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે નિલેશ કુંભાણીના ઘરે જઈને કોંગ્રેસના ત્રણ-ચાર કાર્યકર્તા દ્વારા ઘરની બહાર પોસ્ટર ચોંટાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ આજે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા હીરાબાગ સર્કલ પાસે બ્રિજ ઉપર જઈને નિલેશ કુંભાણી સામે રોષ વ્યક્ત કરતાં બેનર લગાવ્યાં હતાં, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે ‘લોકતંત્રનો હત્યારો- ગદ્દાર.’ નિલેશ કુંભાણીએ સુરત લોકસભા મતવિસ્તારના 19 લાખ મતદારોનો હક છીનવી લીધો છે. નિલેશ કુંભાણી જ્યાં પણ દેખાય ત્યાં તેને સબક શિખવાડવા માટે કહેવામાં આવ્યું છે.

દિનેશ કાછડિયાએ જણાવ્યું કે મને દુઃખ એક જ વાતનું છે કે આજે દેશભરના લોકો જ્યારે પોતાના મતાધિકારનો લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવાના હતા, કોઈ તેમના મત અધિકારનો હક છીનવી શકે નહીં. ઇન્ડિયા ગઠબંધન દ્વારા નિલેશ કુંભાણીને સુરત બેઠક પરથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું નથી, પણ કરાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ષડ્યંત્ર રચીને તેમના ટેકેદારોને અને નિલેશ કુંભાણીને ખરીદી લેવામાં આવ્યા છે. 15 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છે અને નિલેશ કુંભાણી હાલ ગોવામાં જલસા કરી રહ્યા છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર