ભાજપે ભડકી જેમને પોતાનાથી અળગા કર્યા છે એવા સુરતની બેઠકના વર્તમાન સાંસદ સભ્ય કાશીરામ રાણાને કોંગ્રેસે પોતાના પંજામાં બેસાડી ધારદાર રાજકીય સોગઠી મારી છે. ભાજપના અસંતુષ્ટોને લઇને ગત વિધાનસભામાં કોંગ્રેસને કારમી હારનો સામનો કર્યો હતો. પરંતુ આ રાજકીય વિશ્વેષકોનું ગણતરી સુરતની બેઠક અને કાશીરામ માટે કંઇ અલગ કહી રહ્યું છે.
રાજકીય અગ્રણીઓનું માનવું છે કે, કાશીરામ રાણા કોંગ્રેસ માટે સફળ સાબિત થશે. તેઓ સતત છ વાર ભાજપ તરફથી જીતતા આવ્યા છે અને આ વખતે પણ કોંગ્રેસ તરફથી જીતી જાય તો નવાઇ નહીં. કેટલાક રાજકીય નિષ્ણાતોનો એટલે સુધી પણ કહે છે કે, કાશીરામ એ ભાજપના જોરે નહીં પરંતુ પોતાના જોરે જીતતા આવ્યા છે. કાશીરામ પાસે મોટી મતબેંક છે. વધુમાં તેઓ ઓબીસીમાંથી આવે છે જે તેમને કોંગ્રેસમાં વધુ અનુકૂળ આવશે.
આ બેઠકની અગાઉની ચૂંટણીનો ભૂતકાળ તપાસીએ તો કાશીરામે તેમના હરીફને બમણા મતોથી હાર આપી છે. વર્ષ 2004માં તેમણે 59.69 ટકા મત મેળવ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ચન્દ્રવદન પીઠાવાળાને માત્ર 39.89 ટકા મત મળ્યા હતા. 1999માં કાશીરામને 68.82 ટકા જ્યારે પ્રતિસ્પર્ધી રૂપિન પટચિગારને માત્ર 28.35 ટકા, 1998માં કાશીરામને 65.16 ટકા તથા પ્રતિસ્પર્ધી ઠાકોરભાઇ નાયકને 30.07 ટકા, 1996માં તેમને 61.07 ટકા તથા પ્રતિસ્પર્ધી મનુભાઇને 32.68 ટકા તથા 1991માં તેમને 56.24 ટકા તથા પ્રતિસ્પર્ધી ચૌધરી સચદેવને 38.46 ટકા, 1989માં કાશીરામને 62.75 ટકા તથા પ્રતિસ્પર્ધી સીડ.ડી.પટેલને 34.33 ટકા મત મળ્યા હતા.
જ્યારે 1984માં તેઓ હાર્યા હતા ત્યારે કોંગ્રેસના વિજયી ઉમેદવાર પટેલ છગનભાઇને 53.71 ટકા મત મળ્યા હતા જ્યારે કાશીરામ રાણાને 44.23 ટકા મત મળ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે બે દાયદાથી ભાજપ તરફથી જીતનો સ્વાદ ચાખનાર આ વખતે હરીફ પાટલીમાં બેસી ભાજપને કેવો સ્વાદ ચખાડે છે તે....