રાજકોટમાં મધરાતે ધાડપાડુઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર, લોહીની છોળો ઊડી, 4 ઝડપાયા, 1 PSIને ઇજા

બુધવાર, 3 ઑગસ્ટ 2022 (15:12 IST)
રાજકોટમાં અડધી રાત્રે પોલીસ અને  ચડ્ડી-બનીયાનધારી ગેંગ વચ્ચે ફાયરિંગ, ત્રણ રાઉન્ડ ગોળીબાર
 
રાજકોટમાં ગત મોડીરાત્રીનાં ત્રણેક વાગ્યે અમીન માર્ગ નજીક ચિત્રકૂટ સોસાયટીમાં ચડ્ડી-બનીયાનધારી ગેંગ ધાડ પાડવાના ઇરાદે ત્રાટકી હતી. જોકે એસઓજીને આ અંગેની બાતમી મળતા પોલીસ પણ એ જ સમયે સ્થળ પર પહોંચી હતી. જેને પગલે એસઓજી ટીમ સાથે ધાડપાડુ ગેંગની ઝપાઝપી થઈ હતી. જેમાં ચોરી કરવા આવેલી ગેંગે પોલીસ પર હુમલો થતા પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ઝપાઝપીમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. અને ફાયરિંગમાં ધાડપાડુ ગેંગના એક સભ્યને કમરમાં ગોળી લાગવાની સાથે અન્ય એક શખ્સ પણ ઇજાગ્રસ્ત થયો છે. જોકે પોલીસે હિંમત કરી ધાડપાડુ ગેંગના 4 શખ્સોને દબોચી લીધા છે. અને દેશી બનાવટી પિસ્તોલ પણ કબ્જે કરી છે. જો કે અન્ય બે શખ્સો નાસી ચૂંટવામાં સફળ રહેતા તેને ઝડપી લેવા તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સફળતા મળી છે. SOGએ પરપ્રાંતીય ગેંગને દબોચી છે.
 
જાણવા મળતી વિગત અનુસાર, ચિત્રકૂટ સોસાયટીમાં શેરી નંબર 2 ખાતે " રિદ્ધિ સિદ્ધિ " નામના મકાનમાં હથિયારધારી શખ્સો ધાડ પાડવાના ઇરાદે આવતા હોય તેવી ચોક્કસ બાતમી એસઓજી પોલીસને મળી હતી. જેના આધારે એસઓજીની ટીમ બરાબર સમયે ત્યાં પહોંચી જતા ચડ્ડી-બનીયાનધારી ગેંગ દ્વારા હથિયારો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસને પણ સ્વબચાવ માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારમાં બે શખ્સો ઘાયલ થયા હતા.
 
બીજીતરફ ગેંગ દ્વારા પીએસઆઇ ડી.બી. ખેર પાસેની રિવોલ્વર છીનવી લેવા હુમલો કરાયો છે. આ ઝપાઝપી અને પથ્થરમારા દરમિયાન પીએસઆઇને પણ ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધાડપાડું ટોળકી દાહોદ-ગોધરાની હોવાનું અને ઘાયલ થનાર પૈકી એક શખ્સનું નામ કલાભાઈ જીતાભાઈ ગોંઢીયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસે આરોપીઓ કોઈપણ ચોરીને અંજામ આપે તે પહેલાં ગેંગનાં ચાર સભ્યોને ઝડપી પાડી આસપાસનાં વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જ્યારે બે શખ્સો નાસી જવામાં સફળ થતા તેને ઝડપી લેવા માટે શહેર બહાર જતા રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર