ગુજરાતની આ બેઠકોનાં પરિણામો સૌને ચોંકાવી દેશે?

સોમવાર, 3 જૂન 2024 (05:53 IST)
પહેલી જૂને લોકસભાની ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ અલગ-અલગ ચેનલો અને એજન્સીઓએ ઍક્ઝિટ પોલ જાહેર કર્યા હતા અને પોતાનાં અનુમાનો લગાવ્યાં છે. મોટા ભાગના ઍક્ઝિટ પોલ અનુસાર, ભાજપના ગઠબંધનવાળી એનડીએને વધુ બેઠકો મળી રહી છે. જોકે, ચિત્ર તો ચોથી જૂનના રોજ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે.
 
મોટા ભાગના ઍક્ઝિટ પોલ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપને ફાળે જવાની આગાહી કરે છે પરંતુ છતાં કેટલાક રાજકીય વિશ્લેષકો ગુજરાતની પાંચ બેઠકો પર રસાકસી હોવાનું જણાવી રહ્યા છે.
 
લોકસભાની ચૂંટણીમાં મતદાનની કૂલ ટકાવારી 65.08% ટકા હતી. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પૈકી 25 બેઠકો પર મતદાન થયું હતું. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સુરતની લોકસભા બેઠક પર ચૂંટણી પહેલાં જ નિર્વિરોધ વિજય થયો હતો. સુરતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
 
મતદાનની ટકાવારી 59.49 ટકા રહી હતી, જે 2019ની મતદાનની ટકાવારી કરતાં લગભગ પાંચ ટકા ઓછું હતું.
 
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
 
બનાસકાંઠા: કૉંગ્રેસના ગેનીબહેન ઠાકોરના ધારદાર પ્રચારે બેઠકને રસપ્રદ બનાવી
 
 
કૉંગ્રેસનાં “ફાયરબ્રાન્ડ” મહિલા નેતા ગેનીબહેન ઠાકોર બનાસકાંઠાની વાવ વિધાનસભાથી ધારાસભ્ય છે. કૉંગ્રેસે આ વખતે ગેનીબહેનની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટી આપી હતી. ભાજપે રાજકારણમાં નવાં ગણાતાં ડૉ. રેખાબહેન ચૌધરીને ટિકિટ આપી હતી. તેઓ વ્યવસાયે પ્રોફેસર છે અને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈનાં પૌત્રી છે.
 
ગેનીબહેને સ્થાનિક સ્તરે તાબડતોબ પ્રચાર કરીને એવી છાપ ઊભી કરી કે તેઓ એકલા હાથે ભાજપને ટક્કર આપી રહ્યાં છે.
 
ગેનીબહેન ઠાકોર અનુસાર તેમને ચૂંટણીના પ્રચાર માટે ગાડીમાં પેટ્રોલ પુરાવવાના પૈસા પણ આપવાની જરૂર પડી ન હતી અને લોકોએ જ તેમના ચૂંટણીપ્રચારનો ખર્ચો ઉઠાવ્યો હતો.
 
રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે બનાસકાંઠાની બેઠક પર કૉગ્રેસ જો જીતે તો તેનો સંપૂર્ણ આધાર ગેનીબહેનની લોકપ્રિયતા પર અને તેમનાં પ્રચાર પર રહેશે.
 
બીજી તરફ આ બેઠક પર ભાજપના ઉમેદવાર નવાં હોવાને કારણે પક્ષની જીતનો આધાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિર્ભર છે.
 
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજય નાયકે અગાઉ બીબીસી ગુજરાતીનાં સહયોગી લક્ષ્મી પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "બનાસકાંઠા લોકસભા બેઠક પર કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર બોલકાં છે, ખૂબ જ ઍક્ટિવ છે. લોકો આ પ્રકારના ઍક્ટિવ ઉમેદવારને પસંદ કરતા હોય છે. તેમના પ્રચારને જોતાં, તેમજ જે રીતે મતદાન થયું છે એ જોતાં લાગી રહ્યું છે કે વધુ મતદાનનો ફાયદો ગેનીબહેન ઠાકોરને થઈ શકે છે. "
 
"બીજી તરફ બનાસકાંઠા બેઠકના ભાજપનાં ઉમેદવાર ડૉ. રેખાબહેન ચૌધરીના દાદા બનાસ ડેરીના સ્થાપક હતા. તેઓ પારિવારિક સહકારી બૅકગ્રાઉન્ડ ધરાવે છે."
 
બનાસકાંઠાની બેઠક ઉપર મતદારોની દૃષ્ટિએ ઠાકોર સમાજ અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે તેવા સંજોગોમાં કૉંગ્રેસનાં ગેનીબહેન અને ચૌધરી સમાજનાં રેખાબહેન ચૌધરી વચ્ચેનો મુકાબલો રાજકીય વર્ચસ્વની લડાઈ સુધી પહોંચ્યો હતો.
 
વરિષ્ઠ પત્રકાર નીતિન પટેલે પણ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "આ વખતે બનાસકાંઠા બેઠકમાં બને પક્ષનાં ઉમેદવાર મોટા અને વર્ચસ્વ ધરાવતા સમાજનાં ઉમેદવાર હતાં, જેને કારણે મતદાનમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે."
 
તેઓ કહે છે, "વર્ષ 2019 લોકસભામાં કૉંગ્રેસ અને ભાજપ બને પાર્ટી દ્વારા ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી. બનાસકાંઠા બેઠકમાં ચૌધરી અને ઠાકોર બંને જ્ઞાતિની વસ્તી મોટા પ્રમાણમાં છે તેમજ બંને જ્ઞાતિના લોકો મોટા પ્રમાણમાં મત આપવા બહાર આવ્યા છે. બનાસકાંઠામાં શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદાન વધુ થયું છે એ જોતાં લાગી રહ્યું છે કે આનો ફાયદો કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરને થઈ શકે છે."
 
ભરૂચ: ચૈતર વસાવાને કારણે આ બેઠક રહી ચર્ચામાં
 
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાંથી જ ભરૂચ લોકસભાની બેઠક સતત ચર્ચામાં રહી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય અને આપ નેતા ચૈતર વસાવાની કથિતપણે વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના મામલામાં ધરપકડ થઈ હતી.
 
ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે જ અરવિંદ કેજરીવાલે ડેડિયાપાડા નજીક નેત્રંગમાં સભા સંબોધીને તેમને ભરૂચ લોકસભા બેઠકથી ઉમેદવાર જાહેર કરી દીધા હતા.
 
બીજી તરફ ભાજપે આ બેઠક પરથી તેમના છ વારના સાંસદ મનસુખ વસાવાને ફરીવાર ટિકિટ આપી હતી. મનસુખ વસાવા 2019ની ચૂંટણીમાં અહીંથી 3.34 લાખ મતોથી વિજયી બન્યા હતા.
 
ભરૂચ બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. આ જ કારણે આપને આદિવાસી તથા મુસ્લિમ મતોના કૉમ્બિનેશનને કારણે આ બેઠક પર જીતની આશા છે. 36 વર્ષીય ચૈતર વસાવા આદિવાસી સમાજમાં ભારે લોકપ્રિય મનાય છે.
 
જોકે, રાજકીય વિશ્લેષકોના મતે તેમની જીતનો આધાર મુસ્લિમ મતો અને કૉંગ્રેસના નેતાઓના સમર્થન પર રહેલો છે. કૉંગ્રેસના નારાજ નેતાઓને ચૈતર વસાવાએ મનાવી લીધા હોવાનો દાવો પણ આમ આદમી પાર્ટીએ કર્યો હતો.
 
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ માને છે કે, "આપ ભાજપનું 26 સીટોનું ગણિત બગાડી શકે તેવી કોઈ જ શક્યતા લાગી નથી રહી. તેમાંય દક્ષિણ ગુજરાત તરફ તો બિલકુલ નહીં, કારણ કે જે રીતે સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં નેતાઓ આપને છોડીને ગયા છે, તે રીતે પાર્ટીને ખૂબ મોટું સેટબૅક મળ્યું છે."
 
ભાજપના સાંસદ મનસુખ વસાવાની છબી પણ લડાયક નેતાની ગણવામા આવે છે. રાજકીય વિશ્લેષકોના મતે ભરૂચ અને અંકલેશ્વરના શહેરી મતદારોમાં ભાજપનું હજુ પણ પ્રભુત્ત્વ છે. એ સિવાય આદિવાસી મતદારોને ચૈતર વસાવા તરફ જતાં મનસુખ વસાવા કેટલા પ્રમાણમાં રોકી શકે છે તેના પર ભાજપની જીતનો આધાર છે.
 
જાણીતા રાજકિય વિશ્લેષક વિદ્યુત જોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ વિશે વધુ પ્રકાશ પાડતા કહે છે, “મનસુખ વસાવાને વિનેબિલીટી ક્રાઇટેરિયાના આધારે પસંદ કરાયા છે. તેઓ સ્વીકૃત છે પણ જો ચૈતર વસાવા ઉમેદવાર ન હોત તો પરિસ્થિતિ અલગ હોત. કારણકે ભાજપના સંગઠનમાં તેમની સામે રોષ છે. જો ચૈતર વસાવા ઉમેદવાર ન હોત અને આપ તથા કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન ન હોત તો અલગ પરિસ્થિતિનું નિર્માણ થઈ શક્યું હોત.”
 
વલસાડ: કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે વલસાડનો જંગ રસપ્રદ બનાવ્યો
 
દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક એસટી માટે અનામત બેઠક છે. કૉંગ્રેસે આ બેઠક પરથી વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલને મેદાને ઉતાર્યા હતા. ભાજપે આ બેઠક પરથી નવા ચહેરા ધવલ પટેલને ટિકિટ આપી હતી.
 
કૉંગ્રેસના ઉમેદવારની છબી એક લડાયક આદિવાસી નેતા તરીકેની રહી છે. અનંત પટેલ લાંબા સમયથી આદિવાસી સમાજના મુદ્દાઓ, સાગરમાલા પ્રોજેકટ અને પાર-તાપી પરિયોજના જેવા કેટલાક મુદ્દાઓ માટે નેતૃત્વ કર્યુ હતુ.
 
વલસાડ લોકસભામાં ઢોડિયા પટેલ અને કુકણા સમુદાયનું વર્ચસ્વ સૌથી વધુ છે. આથી રાજકીય પક્ષો મોટા ભાગે તેમના પ્રતિનિધિને જ ઉમેદવાર બનાવે છે.
 
વલસાડ બેઠક વિશે વાત કરતા રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ અગાઉ બીબીસીને જણાવ્યું હતું, “ભાજપના ઉમેદવાર યુવાન અને શિક્ષિત છે તથા વાંસદાના જ વતની છે. પરંતુ જમીન સ્તરે તેમની કોઈ વિશેષ પકડ કે કામ નથી. અહીં ભાજપને સંગઠનની તાકાત અને નરેન્દ્ર મોદીના નામ પર જ નિર્ભર રહેવાનું છે.”
 
'દમણગંગા ટાઇમ્સ'ના નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાયે બીબીસીને જણાવ્યું હતું, “અનંત પટેલનો પ્રભાવ માત્ર વાંસદા વિધાનસભા સુધી સીમિત નથી. વલસાડ લોકસભા બેઠક હેઠળ આવતી ચાર વિધાનસભાઓ ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડામાં તેમની સારી પકડ અને પ્રભાવ છે.”
 
વલસાડ બેઠકને લગતા મુદ્દાઓ અંગે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર ઉત્પલ દેસાઈનું કહેવું છે, "પેજ પ્રમુખ થકી ભાજપ અહીં દરેક ફળિયા સુધી પહોંચી ગયો છે. કૉંગ્રેસની વાત કરીએ તો એ અમુક વિસ્તારો પૂરતી જ મજબૂત જણાય છે. સામે પક્ષે ભાજપ શહેરી, અર્ધશહેરી અને ગામડાંમાં પણ મજબૂત સંગઠન ધરાવે છે."
 
તેમના જણાવ્યા અનુસાર સંઘના લીધે ભાજપને મદદ મળી રહે છે, જ્યારે બીજી તરફ કૉંગ્રેસનું સેવાદળ કમજોર થઈ ગયું છે અને એની સીધી જ અસર ચૂંટણીમાં કૉંગ્રેસનાં પરિણામો પર પડે છે.
 
સુરેન્દ્રનગર: ભાજપના આંતરિક વિવાદ અને ક્ષત્રિય આંદોલનની અસર?
 
સુરેન્દ્રનગર લોકસભામાં મોટા ભાગનો વિસ્તાર ગ્રામીણ છે. આ બેઠક પર જાતીય સમીકરણોને પ્રભાવી ગણવામાં આવે છે. ભાજપ અને કૉંગ્રેસે બંને પક્ષોએ અહીં નવા ઉમેદવારોને ટિકિટ આપી હતી.
 
ભાજપે ચુંવાળિયા કોળી સમુદાયના ચંદુભાઈ શિહોરાને તો કૉંગ્રેસે તળપદા કોળી સમુદાયના ઋત્ત્વિક મકવાણાને ટિકિટ આપી હતી.
 
આ બેઠક પર ચાર લાખની આસપાસ તળપદા કોળી મતદાતાઓ છે. ચુંવાળિયા કોળીના મતોની સંખ્યા તેમના કરતાં અડધી મનાય છે. અહીં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા પણ બે લાખ કરતાં વધુ છે.
 
ભાજપે ચુંવાળિયા કોળી સમુદાયના ચંદુ શિહોરાને ટિકિટ આપતાં તળપદા કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. તળપદા કોળી સમાજના અગ્રણી અને પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે પણ કે ભાજપ પર તળપદા કોળીને અન્યાય કરવાનો આરોપ મૂક્યો હતો.
 
સુરેન્દ્રનગર લોકસભામાં વારંવાર પક્ષપલટો કરનારા પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ પણ અગત્યનું ફેક્ટર મનાય છે.
 
અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વરિષ્ઠ પત્રકારો જ્વલંત છાયા અને રાજેશ ઠાકરે પણ કહ્યું હતું કે સુરેન્દ્રનગર બેઠક પર ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપને મોટું નુકસાન થઈ શકે છે.
 
જોકે કેટલાક જાણકારો એમ પણ કહે છે કે સુરેન્દ્રનગરમાં ભાજપ કૉંગ્રેસ કરતાં વધારે મજબૂત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર