ગુજરાતમાં કૉંગ્રેસ અને આપ કેટલી સીટો પર ચૂંટણી લડશે?

રવિવાર, 25 ફેબ્રુઆરી 2024 (09:33 IST)
આગામી લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણીને લઈને સમજૂતી થઈ ગઈ છે.
 
આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે એક સંયુક્ત પત્રકારપરિષદ કરીને આ વિશે જાણકારી આપી છે.
 
દિલ્હીમાં બન્ને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી ચાર સીટ અને કૉંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડશે.
 
ગુજરાતમાં કુલ 26 સીટોમાંથી કૉંગ્રેસ 24 અને આમ આદમી પાર્ટી બે સીટો પર ચૂંટણી લડશે.
 
હરિયાણામાં કૉંગ્રેસ નવ અને આમ આદમી પાર્ટી એક સીટ પર ચૂંટણી લડશે. જ્યારે ચંદીગઢ અને ગોવામાં માત્ર કૉંગ્રેસ જ ઉમેદવારો ઉતારશે.
 
જ્યારે પંજાબમાં બન્ને પાર્ટીઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.
 
'ચૈતર વસાવા ભરૂચના ઉમેદવાર'
હાલમાં ડેડિયાપાડાના આપના ધારાસભ્ય એવા ચૈતર વસાવા પહેલાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના સદસ્ય હતા. તેઓ વર્ષ 2014માં બીટીપીમાં જોડાયા હતા.
 
બીટીપીએ 2022ની વિધાનસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું જે થોડા સમયમાં જ તૂટી ગયું હતું. પરંતુ એ સમયે ચૈતર વસાવાએ પણ બીટીપી છોડી દીધી હતી અને આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.
 
તેઓ બીટીપીના સ્થાપક છોટુ વસાવાના ખૂબ નજીકના સાથી ગણાતા હતા. પરંતુ ટિકિટની ફાળવણી વખતે પણ તેમના પુત્ર મહેશ વસાવા સાથે વિવાદ થયો હતો. ત્યાર બાદ આમ આદમી પાર્ટીએ તેમને ડેડિયાપાડાથી ટિકિટ આપી હતી.
 
ચૂંટણી પહેલાંથી જ તેમને ‘અભૂતપૂર્વ જનસમર્થન’ મળી રહ્યું હતું.
 
ચૂંટણી પરિણામની વાત કરીએ તો લગભગ 56 ટકા જેટલા મત મળ્યા હતા અને 40,282 મતની લીડથી તેમણે વિજય મેળવ્યો હતો અને પહેલી વાર તેઓ ધારાસભ્ય બન્યા હતા.
 
36 વર્ષીય વસાવા ચૂંટણી જીત્યા બાદ તેમના વિસ્તારમાં અને વિધાનસભામાં આક્રમક રીતે લોકોના પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે.
 
નોંધનીય છે કે થોડા સમય પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે ભરૂચથી ઉમેદવાર જાહેર કર્યા હતા.
 
ભરૂચ બેઠક પરથી હાલ ભાજપના મનસુખ વસાવા વર્તમાન સાંસદ છે.
 
મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે શું કહ્યું?
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કરેલી જાહેરાત પછી અનેક રાજકીય નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
 
કૉંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ખાતામાં જતા પોતાની નારાજગી વ્યકત કરી છે.
 
તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, “હું અને પાર્ટીના કાર્યકર્તાઓ આ નિર્ણયથી ખુશ નથી. જોકે, હાઈકમાન્ડ કહેશે કે આ નિર્ણય લોકશાહી માટે જરૂરી છે તો અમે હાઈકમાન્ડને સમર્થન આપીશું.”
 
શું તમે અને તમારી બહેન આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાનો સપોર્ટ કરશો?
 
આ સવાલનો જવાબ આપતા ફૈઝલે એએનઆઈને કહ્યું, “હું હાઈકમાન્ડ સાથે ફરીથી વાત કરીશ. નોમિનેશન અને ચૂંટણી માટે હજુ ઘણો સમય છે અને મને આશા છે કે ભરૂચની સીટ કૉંગ્રેસને મળશે.”
 
ફૈઝલે ઉમેર્યું કે ગાંધી પરિવાર મારો પણ પરિવાર છે. શ્રીમતી ગાંધી મારાં માર્ગદર્શક છે અને રાહુલ ગાંધી મારા મોટા ભાઈ અને નેતા છે. મને તેમના પર પૂરો ભરોસો છે કે તેઓ પટેલ પરિવારનો આ સીટને લઈને જે લગાવ છે તે જરૂર સમજશે.
 
બીજી તરફ અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું, “હું જિલ્લાના કાર્યકર્તાની ક્ષમાપ્રાર્થી છું, કારણ કે અમે ભરૂચની સીટ ન મેળવી શક્યા. તમારી વેદનાને પણ હું સમજુ છું. આપણે સાથે મળીને કૉંગ્રેસને મજબૂત કરીશું અને અહમદ પટેલના 45 વર્ષના રાજકીય વારસાને એળે નહીં જવા દઈએ.”
 
આ વિશે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું, “જ્યારે અહમદ પટેલને એક તાકતવર નેતા તરીકે માનવામાં આવતા ત્યારે પણ તેઓ ભરૂચની સીટ પર હાર્યા હતા. જે ચૈતર વસાવાની ઉમેદવારીને લઈને લોકો ઉત્સાહિત છે તેમણે તેનું પર્ફૉર્મન્સ પણ જોવું જોઈએ. ભરૂચ લોકસભાની અંદર આવતી સાત વિધાનસભા સીટોમાંથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચાર સીટો પર આમ આદમી પાર્ટીની જમાનત જપ્ત થઈ હતી અને તેઓ માત્ર એક જ સીટ જીતી શક્યા હતા. જ્યારે ભાજપે સાતમાંથી છ સીટો પર જીત મેળવી હતી.”
 
ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણીની હવે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે અને રાજકીય પક્ષોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
 
ગુજરાતની લોકસભા સીટની વાત કરીએ તો રાજ્યમાં લોકસભાની 26 બેઠકો છે અને છેલ્લી બે ટર્મથી તમામ બેઠક પર ભાજપ જીતી રહ્યો છે.
 
જો 2019ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે 62.21 ટકાના જંગી વોટ શૅર સાથે તમામ 26 બેઠક જીતી હતી. કૉંગ્રેસને એ ચૂંટણીમાં 32.11 ટકા મત મળ્યા હતા.
 
આ વખતની ચૂંટણીમાં ભાજપે ગુજરાતનાં ગામો પર વધુ ભાર આપવાનું નક્કી કર્યું છે. ભાજપે આ માટે ગામડાંમાં પ્રચાર અભિયાન પણ શરૂ કરી દીધું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર