Live webcasting from more than 25 thousand polling booths
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાશે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. જિલ્લા અને રાજ્યકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવશે.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ 25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં આશરે 90 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ તા. 7 મે ના રોજ સવારે 5.30 વાગ્યાથી શરૂ કરી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. સાત જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે.