લોકસભા ચૂંટણી પરિણામ 2019- મધ્ય ગુજરાતની વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને ભરૂચ બેઠક પર ભાજપ આગળ
ગુરુવાર, 23 મે 2019 (10:55 IST)
છોટાઉદેપુર વિધાનસભા વર્ષોથી જેમનો ગઢ રહી છે, તેવા મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવાને કોંગ્રેસે ટિકિટ આપીને પહેલેથી જ કોંગ્રેસે જીતના સોગઠાં ગોઠવી દીધા હતા. અને તેમાં પણ ભાજપે ઓછા જાણીતા એવા ગીતાબેન રાઠવાને ટિકિટ આપીને કોંગ્રેસને હરખાવવાનો મોકો આપ્યો હતો. કોંગ્રેસે ભાજપ કરતા વહેલાં પોતાનો ઉમેદવાર જાહેર કરીને પ્રચાર અભિયાન દરમિયાન પણ કોંગ્રેસ ભાજપ કરતા એક ડગલું આગળ રહી હતી. બંને પક્ષોએ ગ્રામ્ય લેવલે ખુબ મહેનત કરી હતી. આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. તેમજ ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો આદિવાસી સમાજમાંથી જ આવે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતની 7 બેઠકોમાં સૌથી વધુ મતદાન છોટાઉદેપુર બેઠક પર થયું હતું. જેથી કોંગ્રેસમાં ચિંતા પેઠી છે. અને ભાજપના જીવમાં જીવ આવ્યો છે. જોકે આ બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળશે.દાહોદ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ જશંવતસિંહ ભાભોરને રિપીટ કર્યાં હતા. જ્યારે કોંગ્રેસે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા બાબુભાઇ કટારાને ટિકિટ આપી હતી. બાબુભાઇ કટારાની ભૂતકાળમાં કબૂતરબાજીમાં પણ સંડોવણી બહાર આવી હતી. પરંતુ બાબુ કટારા દાહોદ પંથકમાં સારી પકડ ધરાવે છે. આ ઉપરાંત દાહોદ લોકસભા બેઠક વિસ્તારમાં પર 90 ટકા આદિવાસી મતદારો વસવાટ કરે છે. જેથી આ બેઠક પર હંમેશા આદિવાસી ઉમેદવારો જ જીતે છે. ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા અને સંતરામપુર સહિતના પંથકમાં આદિવાસી પ્રજાનો દબદબો રહ્યો છે.આણંદ બેઠક મુખ્યત્વે કોંગ્રેસનો ગઢ રહી છે. જોકે 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી વેવને કારણે આણંદની બેઠક પરથી ભાજપના દિલીપભાઇ પટેલ મોદી વેવમાં વિજયી બન્યા હતા. કોંગ્રેસે આ વખતે ફરીથી ભરતસિંહ સોલંકીને ફરી ટીકીટ આપી હતી. જ્યારે ભાજપે પાટીદાર ઉમેદવાર મિતેશ પટેલ (બકાભાઈ)ને મેદાને ઉતાર્યા છે. જોકે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 7 પૈકી 5 બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. જેથી આ બેઠક પર કોંગ્રેસ મજબૂત જણાઇ રહ્યું છે. આણંદ જિલ્લામાં ક્ષત્રિય ઉમેદવારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ ઠાકોર, પરમાર અને રાઠોડ જ્ઞાતિના સૌથી વધારે મતદારો અહીં છે. પાટીદારોનું વર્ચસ્વ પણ આણંદ જિલ્લામાં રહેલું છે. આણંદ જિલ્લાના ઇતિહાસમાં ત્રણ જ વખત પાટીદાર ઉમેદવારો વિજય મળવામાં સફળ થયા છે. જેથી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે.વડોદરા લોકસભા બેઠક પર ભાજપ જીતશે તેની ચર્ચા નથી. પરંતુ ભાજપ કેટલા વધારે મતથી જીતશે તેની ચર્ચા છે. આ ઉપરાંત પંમચહાલ, ખેડા અને ભરૂચ બેઠક પર પણ ભાજપની સ્શિતિ મજબૂત છે. વડોદરા, ખેડા અને ભરૂચ બેઠક પર ભાજપે રિપિટ થિયરી અપનાવી હતી. જોકે પંચમહાલ બેઠક પર ભાજપે નો રિપિટ થિયરી અપનાવીને વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની જગ્યાએ રતનસિંહ રાઠોડને ઉતાર્યાં હતા.