‘અરે રામ! આટલું ચાલ્યો એ પાણીમાં ગયું? એમ કર, પાવલીમાં આપીશ? આ લે રોકડા પૈસા.’
‘કાકા! પાવલી પણ શું કામ ખરચવી ? એક કામ કરો. જૂઓ અહીંથી બે કલાક આગળ ચાલીને જશો તો દરિયા કિનારો આવશે. ત્યાં નાળિયેરીના હારબંધ ઝાડ છે. ઝાડ ઉપર ચડી તમતમારે નાળિયેર તોડી લેજોને. એક પૈસો પણ ખરચવો નહિ અને જોઈએ એટલા નાળિયેર મળશે!’
લોભિયા ભાઈ તો લલચાઈ ગયા. કહે : ‘હવે આટલા ભેગું આટલું. ચાલને ઝાડ ઉપરથી જ નાળિયેર ઉતારી લઉં! પાવલી બચતી હોય તો એક ટંક દૂધ આવશે. પાવલી ક્યાં મફત આવે છે?’
લોભિયા ભાઈ તો ઉપડ્યા દરિયા કિનારે અને નાળિયેરી ઉપર ચડ્યા. મનમાં એમ કે ‘આટલાં બધાં મોટાં મોટાં નાળિયેર અબઘડી ઉતારી ને ફાંટ બાંધીને લઈ જાઉં ! એક પૈસો યે દેવાનો નહિ ને સાવ તાજાં નાળિયેર! આ વાત તો બહુ સારી કહેવાય.’
લોભિયા ભાઈ ઝાડની છેક ઉપર પહોંચ્યા. લાંબો હાથ કરીને નાળિયેર લેવા ગયા પણ નાળિયેર તોડવાની આવડત કે અનુભવ નહિ એટલે નાળિયેરનું ઝૂંડ પકડીને જ લટકી પડ્યાં. ન નાળિયેર તૂટે ને ન પોતે નીચે ઉતરી શકે. એવી તો હાલત ખરાબ થઈ ગઈ કે વાત ન પૂછો. બૂમાબૂમ કરી માણસો ભેગા કર્યાં પણ કોઈ એમને નીચે ઉતારવા તૈયાર નહિ. છેવટે એક મજૂર તૈયાર થયો પણ કહે કે શેઠ! તમને નીચે ઉતારવાના દશ રૂપિયા થશે. ખૂબ રકઝક પછી પણ એ ન માન્યો એટલે લોભિયા ભાઈ થાકી-હારીને દશ રૂપિયા આપી નીચે ઉતર્યા પણ નીચે ઉતરતાં ઉતરતાં એક નાળિયેર તો પોતાની સાથે લઈ જ આવ્યા.
આમ લોભિયા ભાઈને બે રૂપિયાનું એક નાળિયેર છેવટે દશ રૂપિયામાં પડ્યું!