કૃષિ કાયદા પરત લેવાના એલાન પછી જિગ્નેશ મેવાણીની કરી માંગ, આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોના પરિવારને એક-એક કરોડનુ વળતરની આપવામાં આવે

શુક્રવાર, 19 નવેમ્બર 2021 (15:56 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ કાયદા પરત લીધા ત્યારબાદ વિવિધ નેતાઓની પ્રતિક્રિયાઓ આવવી શરૂ થઈ છે. વડાપ્રધાન મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા જાહેરાત કર્યા બાદ રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, ખેડૂતોના આંદોલન સામે ઘૂંટણિયે પડી કેન્દ્ર સરકારે આ કાળા કાયદા પરત ખેંચવા નિર્ણય કરવો પડ્યો છે. ખેડૂતોની આજે જીત થઇ છે ત્યારે આગામી ચૂંટણીઓમાં પણ આંદોલન કારી ખેડૂતો અને અન્ય ખેડૂતો ભાજપ સરકારને જાકારો આપવાની છે એ વાત નિશ્ચિત છે. ઉપરાંત જયારે પણ કોઇ નવા કાયદા લાગુ કરવા હોય તો એ પહેલા સંબધિત લોકો સાથે બેસી અને ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવો જોઈએ તેવી મારી માંગ છે અને આ કાયદા પરત ખેંચી સરકારે બોધપાઠ મેળવવો જોઈએ.
 
વડાપ્રધાનની આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ફેસબુક પર જણાવ્યું હતું કે, આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે. ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતાં. હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે. 

બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છે. 

ખેડૂત આંદોલનના શહીદોને 1 કરોડનુ વળતર આપો 
 
 
કૃષિ કાયદા પરત લેવાના પીએમ મોદીના એલાન પછી ગુજરાત કોંગેસના નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે નવી દિલ્હી સંસદ ભવન નિર્માણમાં લાગનારા ખર્ચ 20 હજાર કરોડ અને બુલેટ ટ્રેનમાં લાગનારો ખર્ચ 1 લાખ કરોડના બજેટથી થોડો ઓછો કરીને જે ખેડૂત આંદોલનમા જે ખેડૂત શહીદ થયા છે તેમના પરિવારને અમે એક એક કરોડનુ વળતર આપવાની માંગ કરીએ છીએ. 

 
આંદોલનમાં 700 ખેડૂતો મૃત્યુ પામ્યા, તેમની જવાબદારી કોની: AAPના નેતા ઈસુદાન ગઢવી
આજે ભાજપની કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી છે. ત્યારે હું તમામ ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું, જેમણે સતત આ અહંકારી સરકાર સામે પોતાનું આંદોલન ચાલુ રાખી પોતાના હિત માટે લડ્યા. મારો કેન્દ્ર સરકારને એક સવાલ છે. સવા વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ આંદોલનમાં તમે ખેડૂતોને આતંકવાદી કહ્યા, ખાલિસ્તાની કહ્યા, આંદોલનજીવી કહ્યા. એટલું જ નહીં, 700થી વધુ ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા છે. એના માટે કોણ જવાબદાર, તેમના પરિવારનું ભરણપોષણ હવે કોણ કરશે. પેટાચૂંટણીઓમાં હારી ગયેલી આ સરકારે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડ્યા અને હવે કૃષિ કાયદાઓ પરત લીધા તો વિચારો આ સરકાર માત્ર ચૂંટણી જીતતી સરકાર છે. સરકારને લાગ્યું કે હવે આપણું ચાલશે નહીં, એટલે ચૂંટણીઓ નજીક આવતાં જ આ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી. જો દેશની જનતા એક થાય તો આ અહંકારી સરકારને ઝૂકવું પડશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર