જાણો દેવઊઠી અગિયારસથી કંઈ કંઈ રાશિમાં શનિની પનોતી બેસશે અને કોણે મળશે રાહત

બુધવાર, 29 ઑક્ટોબર 2014 (16:22 IST)
રાશિચક્રના સૌથી ધીમી ગતિના ગ્રહ શનિદેવ આગામી રવિવાર, દેવઊઠી અગિયારસથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને એ સાથે જ શનિદેવનું તુલા રાશિમાં અઢી વરસનું પરિભ્રમણ સમાપ્ત થશે. દરેક રાશિમાં શનિ અઢી વરસ રોકાણ કરે છે એ રીતે હવેનાં અઢી વરસ તેનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં રહેશે. વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે તેથી શનિ મંગળના ઘરમાં પરિભ્રમણ કરશે. જેનાથી કર્ક-કન્યા અને મીન રાશિનાં જાતકોને રાહત મળશે.
 
આ અંગે વધુ વિગતો આપતાં જૈન મુનિએ જણાવ્યું કે આગામી રવિવારે શનિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ચંદ્ર કુંભ રાશિમાં હશે. ધન રાશિના જાતકોને મોટી પનોતી એટલે કે સાડાસાતીના પ્રથમ તબક્કાનો આરંભ થશે. આ પનોતી મસ્તક ઉપર તાંબાના પાયે આવતી હોવાથી ધન રાશિના જાતકોને લાભકારક બની રહેશે. તુલા રાશિના જાતકો માટે પણ આ પરિવર્તન લાભકારી છે. આ રાશિના જાતકોને પનોતીનો છેલ્લો તબક્કો શરૂ થશે. આ છેલ્લો તબક્કો રૂપાના પાયે અને પગ ઉપર રહેશે.
 
તેમણે કહ્યું કે વૃશ્ચિક રાશિમાં જન્મેલા જાતકો માટે આ સમય કષ્ટદાયક રહેશે અને આ જાતકોએ કઠોર પરિશ્રમ કરવા માટે તૈયાર રહેવું પડશે. વૃશ્ચિકના જાતકો માટે આ બીજો તબક્કો છે. એમની માટે આ પનોતી લોઢાના પાયે છાતી પર રહેશે. જ્યારે કન્યા રાશિના જાતકો માટે સોનાના પાયે પગે આવેલો છેલ્લો ચિંતાજનક તબક્કો હતો, તેઓ શનિની મોટી પનોતીમાંથી મુક્ત થઈ રહ્યા છે. તેઓ પનોતીમાંથી મુક્તિનો શ્વાસ લઈ શકે છે.
 
તેમણે કહ્યું કે સિંહ રાશિવાળા જાતકો માટે શનિનું પરિવર્તન નાની પનોતી લઈને આવી રહ્યું છે, કારણ કે એમને શનિ પોતાની જન્મરાશિથી ચોથે થઈ રહ્યો છે. આ નાની પનોતીના ગાળામાં સિંહ જાતકોને લાભદાયક સમાjચારો મળતા રહેશે. જ્યારે મેષ રાશિના જોતકોને આઠમે શનિ થતો હોવાથી તેઓ પણ નાની પનોતીનો અનુભવ અઢી વરસ દરમ્યાન કરશે. એમની પનોતી સોનાના પાયે હોવાથી નાની મોટી ચિંતાઓ ઉપજાવનારો બની રહેશે.
 
તેમણે કહ્યું કે શનિ ન્યાયનો દેવતા છે. તે કોઈની શેહમાં આવતો નથી અને તેને કોઈ લાલચો અસર કરી શકતી નથી. શનિ ખોટા લોકોને દંડ્યા વિના રહેતો નથી અને સાચા લોકોને તેમની સચ્ચાઈનું ફળ આપ્યા વિના રહેતો નથી. સાડાસાતી કે નાની પનોતી કે શનિને લગતી એવી અન્ય કોઈ પણ પ્રચલિત ડરામણી બાબતોથી ડરવાની જરૂર નથી. શનિની પનોતી દર વખતે ખરાબ હોય એવું હોતું નથી. જો જાતક સારા માર્ગે હશે તો તે સારૂં ફળ પામશે, ખોટા રસ્તે હશે તો ખરાબ ફળ પામશે. શનિ અધ્યાત્મના માર્ગે લઈ જવામાં નિમિત્ત રૂપ બને છે.
 
જૈન મુનિએ કહ્યું કે મુનિસુવ્રતસ્વામી ભગવાનનાં દર્શન, તેમની પૂજા અર્ચના ઉપરાંત 'નમો લોએ સવ્વસાહૂણં' એ પદના જાપ વગેરે લાભદાયક નીવડે છે. હિન્દુ ધર્મની માન્યતાવાળા ભાવિકો હનુમાન ઉપાસના કરે, 'ૐ અંજનિપુત્રાય નમઃ' એ મંત્રના જાપ કરી શકે છે.
 

વેબદુનિયા પર વાંચો