ભારતની સરહદો ઉપર દિવાળીમાં 'ફટાકડા' (સંઘર્ષ) ફૂટી શકે છે

શુક્રવાર, 17 ઑક્ટોબર 2014 (15:12 IST)
તા.૧૭મી ઓક્ટોબરથી સૂર્ય, તુલા રાશિમાં શનિ મહારાજની સાથે એક જ રાશિમાં આવી રહ્યો છે, જે પખવાડિયા સુધી એક સાથે રહેતાં દિવાળી આસપાસનાં સમયગાળામાં સરહદે ફટાકડા ફૂટી શકે છે એટલે કે સરહદે સંઘર્ષ થઇ શકે છે. સાથે જ ગુરુવારથી રવિવાર સુધી ચાર દિવસ, સળંગ ચાર ગ્રહોનું રાશિ પરિવર્તન પણ થઇ રહ્યું છે અને દિવાળી ચાર ગ્રહો એક રાશિમાં આવે છે.

આ અંગે વધુ વિગતો આપતાં, જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે ચાર દિવસમાં ચાર ગ્રહોનું પરિવર્તન થઇ રહ્યું છે. જેમાં ગુરુવારે બુધ પોતાની કન્યા રાશિમાં વક્રી ભ્રમણ શરૂ કર્યુ છે. જ્યારે શુક્રવારે સૂર્ય કન્યા રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શનિવારે મંગળ વૃશ્ચિક રાશિ છોડીને ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે રવિવારે શુક્ર કન્યા રાશિ છોડીને તુલા રાશિમાં ભ્રમણ શરૂ કરશે.

આમ, ચાર દિવસમાં ચાર ગ્રહો ભ્રમણ કરતાં નેતાથી માંડીને અભિનેતા ચર્ચામાં રહેશે. એક પખવાડિયા સુધી સૂર્ય અને શનિ એક જ રાશિ, તુલામાં રહેતાં, વાયુમંડળ અને રાજાથી માંડીને પ્રજા સુધી કષ્ટ ભોગવવાનો વારો આવે. પાડોશી રાજ્યોથી સતર્ક રહેવાની જરૂર છે.

ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશની સરહદે દિવાળીનાં ફટાકડા ફૂટી શકે છે એટલે કે ગોળીબારી જેવી ઘટના સર્જાઇ શકે છે. જોકે, શુક્ર સ્વગૃહી રહેતાં પ્રજાજનો માટે સૂર્ય-શનિનાં સંયોગનાં અશુભત્વમાં રાહત મળી શકે છે. એ જ રીતે શનિ ઉચ્ચનો રહેતાં આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે દેશ પ્રગતિ કરે અને ઊંચાઇના શિખરો સર કરે. સાથે જ ધર્મના નામે ચાલતા પાખંડો અને પાખંડીઓનો પર્દાફાશ થાય.

રંગ-રસાયણ, ખનીજ ક્ષેત્રે પણ મોટી તેજી અને રાજકારણમાં મોટી ઉથલપાથલ સર્જાઇ શકે છે. તેમણે કહ્યું કે દિવાળી, તા.૨૩ ઓક્ટોબર, ગુરુવારે ચાર ગ્રહો તુલા રાશિમાં આવે છે. એટલે કે તુલા રાશિમાં સૂર્ય-શનિ-શુક્રની સાથે બપોરે ચંદ્ર પણ આવી જતાં હોવાથી ગ્રહણ યોગ સર્જાય છે અને અમાસની રાત્રિએ આ ચારેય ગ્રહો આપણી સરહદ ઉપર ફટાકડા ફોડાવી શકે છે.

આ દિવસે સૂર્ય ગ્રહણ પણ છે પરંતુ તે ભારતમાં દેખાવાનું નથી માટે તેનો દોષ પણ લાગવાનો નથી. એટલે કે દુનિયામાં તેની નિષેધક અસરો થઇ શકે છે. સૂર્યગ્રહણ અને ચતુર્ગ્રહી યોગના સંયોગના કારણે કુદરતી આપત્તિઓનો સામનો કોઇપણ ખૂણે કરવો પડે તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પણ રહેલી છે.

અશુભ યોગથી બચવાના સૂર્યનારાયણને અર્ઘ્ય આપો જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે જેની કુંડળીમાં શનિ-સૂર્ય સાથે હોય તે જાતકોએ અશુભ યોગથી બચવા માટે ગાયત્રી મંત્ર બોલીને સૂર્ય નારાયણને અર્ઘ્ય આપવો. શનિ ચાલીસાનું પઠન કરવું અથવા હનુમાન ચાલીસાનું પઠન કરવું. જો શક્ય હોય તો પીપળે જળ પણ ચઢાવી શકાય છે.

વેબદુનિયા પર વાંચો