રાજસ્થાન રોયલ્સનાં ઓપનર નમન ઓઝા- ગ્રેહામ સ્મિથની ઓપનિંગ જોડીની મજબૂત શરૂઆતને કારણે તેણે કિંગ્સ પંજાબ ઇલેવનને 78 રને પરાજય આપ્યો હતો. મેન ઓફ ધ મેચ વિજેતા ગ્રેહામ સ્મિથને જાહેર કરવામાં આવ્યો હતો.
રાજસ્થાને પંજાબના બોલરોને બરાબર ઝુડી નાંખ્યા હતા. અને, 4 વિકેટ ગુમાવીને 211 રન કર્યા હતા. જે આઈપીએલ-2નો સર્વાધિક સ્કોર હતો. આ લક્ષ્યાંક સામે પંજાબની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ કરી શકી હતી. પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં પંજાબે બે વિકેટ ગુમાવી દીધી હતી. પંજાબ તરફથી કેપ્ટન યુવરાજસિંહે સર્વાધિક 48 રન બનાવ્યા હતા.
આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બોલિંગ કરવાનો પંજાબના કેપ્ટન યુવરાજસિંહનો નિર્ણય તેની ટીમની તરફેણમાં રહ્યો નહોતો. રાજસ્થાને શાનદાર શરૂઆત કરી પંજાબના બોલરોની ધોલાઇ કરી હતી.
ઓપનર ઓઝા અને સ્મિથ વચ્ચે 135 રનની વિશાળ ભાગીદારી નોંધાઇ હતી. રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવી 211 રન બનાવ્યા હતા. જેમાં સ્મિથે 1 છગ્ગો અને 12 ચોગ્ગાની મદદથી માત્ર 44 બોલમાં 77 રન ફટકાર્યા હતા. જ્યારે ઓઝાએ 5 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 51 બોલમાં 68 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 12 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું હતું.
વિજય સાથે રાજસ્થાન રોયલ્સના ખાતામાં બે પોઇન્ટ વધી 9 પોઇન્ટ થઇ ગયા છે. જ્યારે પંજાબના ખાતામાં 8 પોઇન્ટ યથાવત્ છે.