જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે હાઇપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ સિઝન-2ની શનિવારથી દક્ષિણ આફ્રિકામાં શરૂઆત થઇ રહી છે.
ઇન્ડિયન પ્રિમિયર લીગ-૨ની શરૂઆત ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની કેપ્ટાઉન ખાતે રમાનારી મેચ સાથે થશે. પ્રથમ દિવસે જ બે મેચો રમાશે. પ્રથમ મેચનું પ્રસારણ સાંજે 4 વાગ્યાથી મેકસ પરથી કરવામાં આવશે. જયારે બીજી મેચ બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને વર્તમાન ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ વચ્ચે કેપ્ટાઉનમાં જ રમાશે. આ મેચનું પ્રસારણ રાત્રે 8 વાગ્યાથી કરવામાં આવશે.
આઇપીએલની પ્રથમ આવૃત્તિ ભારતમાં રમાઇ હતી અને આને શાનદાર સફળતા મળી હતી પરંતુ ભારતમાં લોકસભાની ચૂંટણી હોવાના કારણે સુરક્ષાના કારણોસર આઇપીએલ-2ને આ વખતે આફ્રિકામાં યોજવાનો નિર્ણય વ્યાપક વિચારણા કરવામાં આવ્યા બાદ લેવામાં આવ્યો હતો.
આઇપીએલ સિઝન-2માં જીત મેળવવા તમામ ટીમો પોતપોતાની નવી વ્યૂહરચના સાથે કમર કસી ચૂકી છે. ગયા વખતે ચેમ્પિયન બનનાર રાજસ્થાન રોયલ્સ માટે આ વખતે ટ્રોફી જાળવવાની બાબત સરળ નહીં બને કારણ કે તમામ ટીમો વધારે તાકાત સાથે મેદાનમાં ઉતરવા સજજ થઇ ચૂકી છે. આઇપીએલમાં ચેમ્પિયન બનનાર ટીમને 9.60 લાખ ડોલર આપવામાં આવશે. જયારે રનર્સઅપ રહેનાર ટીમને 4.80 લાખ ડોલર આપવામાં આવશે.