IPL 2019: એમએસ ધોનીએ બતાવી આંગળી તો નવાઈ પામ્યા અંપાયર, લોકો બોલ્યા - ક્રિકેટના મોદી છે માહી..

આદેશકુમાર ગુપ્ત

શુક્રવાર, 12 એપ્રિલ 2019 (14:59 IST)
આદેશકુમાર ગુપ્ત

આઈપીએલના ઇતિહાસમાં જેટલી ઘટનાઓ ઘટી છે તેના પર એક આખું પુસ્તક લખી શકાય એમ છે. પરંતુ ગુરુવારે જયપુર ખાતે રમાયેલી યજમાન 'રાજસ્થાન રૉયલ્સ' અને 'ચેન્નઈ સુપર કિંગ્ઝ' વચ્ચેની મૅચની છેલ્લી ઓવરમાં જે થયું તેવું ક્યારેય કોઈએ જોયું નથી.આ મૅચમાં 'ચેન્નઈ સુપર કિંગ્ઝ'એ 'રાજસ્થાન રૉયલ્સ'ની ટીમને ચાર વિકેટે હરાવી દીધી.
 
કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના 58 અને અંબાતી રાયડૂના 57 રનની મદદથી તેમજ છેલ્લા બૉલે છ વિકેટ ગુમાવીને ચેન્નઈએ જીતવા માટે 152 રનનું લક્ષ્ય હાંસલ કર્યું. 
છેલ્લા બૉલમાં ચેન્નઈને જીતવા માટે ચાર રનની જરૂર હતી. પરંતુ સૅન્ટનરે બૅન સ્ટૉક્સના બૉલ પર સિક્સ મારીને મૅચ જીતાડી દીધી. આ પહેલાં રાજસ્થાને ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરી. બૅન સ્ટૉક્સે 28 અને જૉસ બટલરે 23 રન કર્યા, 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને રાજસ્થાનની ટીમે 151 રન કર્યા.
 
મૅચમાં હાર-જીત તો ચાલ્યા કરે. પરંતુ આ મૅચની અસલી કહાણી છેલ્લી ઓવરની છે, જેમાં ચેન્નઈને જીતવા માટે 18 રનની જરૂર હતી. 19 ઓવર પછી ચેન્નઈનો સ્કોર પાંચ વિકેટ પર 134 રનનો હતો. ક્રીઝ પર રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોની હતા. દર્શકોના ભારે કોલાહલ વચ્ચે રાજસ્થાનના કૅપ્ટન અજિંક્ય રહાણેએ ઝડપી બૉલર બેન સ્ટોક્સને ઓવર આપી.
 
લાંબા રન-અપ બાદ સ્ટૉક્સના હાથમાંથી છૂટેલો પહેલો દડો ઑફ સ્ટમ્પની બહાર ફૂલ લૅન્થ સાથે પડ્યો. બૉલ પડ્યો એ સાથે જ જાડેજાએ બૅક લિફ્ટ સાથે એને સ્ટૉક્સના માથા પરથી સ્ટ્રૅટ સિક્સની બાઉન્ડરી લાઈનની બહાર ધકેલી દીધો. પણ, સિક્સ મારવામાં જાડેજાએ સંતુલન ગુમાવ્યુ અને પીચ પર પડી ગયા. બીજી તરફ આકુળવ્યાકુળ સ્ટૉક્સ પણ પીચ પર પડ્યાપડ્યા બૉલને સિક્સનું સ્વરૂપ લેતાં જોતાં રહ્યા. બૅન સ્ટૉક્સના બીજા બૉલ પર જાડેજા એક રન લેવામાં સફળ રહ્યા પરંતુ તે નો બૉલ થયો. ત્યારબાદ ધોનીની સ્ટ્રાઇકમાં ફ્રી હિટમાં બે રન લેવાયા.
 
આખરે ત્રીજા બૉલ પર બૅન સ્ટૉક્સે એ કરી બતાવ્યું, જેની રાજસ્થાનને જરૂર હતી. સ્ટૉક્સના શાનદાર યૉર્કર નાખી ધોનીનું મિડલ સ્ટમ્પ ઉડાડી દીધું. ધોની 43 બૉલમાં બે ફૉર અને ત્રણ સિક્સની મદદથી 58 રન કરીને ચેન્નઈના ડગઆઉટમાં પહોંચ્યા. હવે જયપુરમાં રાજસ્થાનના સમર્થકો વિજયનો ઇંતેજાર કરવા લાગ્યા પણ કોને ખબર હતી કે આઈપીએલનો સૌથી મોટો ડ્રામા હજુ બાકી હતો. ચોથા બૉલ પર નવા બૉલર મિચેલ સૅન્ટનરે હિમ્મત દર્શાવતાં બે રન લીધા.
 
પરંતુ એ સાથે જ મેદાનમાં ધોની અને અમ્પાયર વચ્ચે દલીલબાજી થવા લાગી. હકીકતમાં એ બૉલ સૅન્ટનરની કમર સુધીની ઊંચાઈનો હતો. અમ્પાયરે પહેલાં તેને નો બૉલ જાહેર કર્યો અને ત્યાર બાદ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો. આ નિર્ણયથી ચેન્નઈના ડગઆઉટમાં બેઠેલા ધોની તરત અમ્પાયર પાસે પહોંચી ગયા.
 
કૅપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીનું આ સ્વરૂપ જોઈને ક્રિકેટપ્રેમીઓ પણ ચોંકી ગયા. કૉમેન્ટરી કરી રહેલા ખેલાડીઓ પણ બોલી ઊઠ્યા કે 'આ અવિશ્વસનીય' છે. જોકે, લાંબી દલીલો બાદ પણ અમ્પાયરનો નિર્ણય બદલાયો નહીં એટલે નિરાશ થઈને ધોની મેદાનમાંથી બહાર નીકળી ગયા.  હવે છેલ્લા બે બૉલ અને ચેન્નઈની જીત વચ્ચે છ રનનું અંતર બાકી રહ્યું. પાંચમાં બૉલ પર સૅન્ટનર બૅટ ચલાવવા તૈયાર હતા, 
 
પરંતુ આ શું? બ્રૅન સ્ટૉક્સે બહાર તરફ એટલો વાઈડ બૉલ નાખ્યો કે સૅન્ટનર આડા પડીને પણ રમવા ઇચ્છે તો ન રમી શકે.  વધારાના એક રન અને અક બૉલથી જાણે ચેન્નઈની કિસ્મતનું બંધ તાળું ખુલી ગયું. રાજસ્થાને જીતેલી બાજી ગુમાવી દીધી. સ્ટેડિયમમાં બૅન સ્ટૉક્સની આ ભુલથી સન્નાટો છવાઈ ગયો.
 
છેલ્લા બૉલ પર જીતવા માટે ચાર રનની જરૂર હતી પરંતુ સૅન્ટનરે સિક્સ મારીને ચેન્નઈને જીતાડી દીધું. સૅન્ટનર 10 અને જાડેજા 9 રન કરીને અણનમ રહ્યા.
આ જીત બાદ ચેન્નઈની ટીમ સૅન્ટનર અને જાડેજાને પોતાના ખભા પર ઊઠાવી લેવા માટે મેદાન પર પહોંચી ગઈ, બીજી તરફ રાજસ્થાન પોતાની જ ગુલાબી નગરી જયપુરમાં હારીને બેરંગ બની ગયું. એ વાત પર ઘણી ચર્ચાઓ થઈ શકે તેમ છે કે શું ધોની પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે અને તેમની શાલીનતા ઘટી રહી છે? આ અંગે ક્રિકેટ સમીક્ષક વિજય લોકપલ્લી કહે છે કે તેમને ધોની પાસે આવી અપેક્ષા નહોતી કે તેઓ મેદાનમાં આવી જાય અને રમત અટકાવી દે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર