વિજ્ઞાન અને અંધવિશ્વાસની લડાઈ હંમેશાથી થતી આવી રહી છે. 'માનો યા ન માનો'ના આધારે આ વિષય કાયમ વિવાદાસ્પદ જ રહ્યો છે. ભૂત, ડરના મના હૈ, વાસ્તુશાસ્ત્ર વગેરે ભયાનક ફિલ્મો બનાવી ચૂકેલા રામૂની ફિલ્મ 'ફૂંક' અંધવિશ્વાસ અને કાળા જાદૂ પર આધારિત છે. આ નવા વિષયને લઈને ફિલ્મ બનાવનારા નિર્દેશક રામગોપાલ વર્મા સાથે વેબદુનિયાની થયેલ મુલાકાતના થોડાક અંશ.
પ્રશ્ન - તમારી ફિલ્મ 'ફૂંક'ની વાર્તામાં વિશેષ શું છે ? જવાબ - ફૂંક મેલી વિદ્યા પર આધારિત ફિલ્મ છે. મેલી વિદ્યામાં આજે પણ ઘણા લોકો વિશ્વાસ કરે છે. જો તમારી કોઈની સાથે દુશ્મની હોય તો તે તમને મારવા કે નુકશાન પહોંચાડવા આ રીતે જાદૂ-ટોણાંનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો સામેથી તો કેટલાક લોકો પીઠ પાછળ કોઈનું ખરાબ કરવા આ મેલી વિદ્યાનો પ્રયોગ કરે છે. ફિલ્મ 'ફૂંક'ની વાર્તા પણ અંધવિશ્વાસો પર વિશ્વાસ ન કરનારા માણસણી છે. પરંતુ તેની સાથે એવી ઘટનાઓ ઘટે છે, જેનાથી તે ચોંકી જાય છે. વિજ્ઞાન અને ડોક્ટરો પણ આ વિશે કંઈજ સફાઈ નથી આપી શકતા.
પ્રશ્ન તમે મેલી વિદ્યા વિશે શુ માનો છો ? શુ હકીકતમાં સાચે જ આવી કોઈ અદ્રશ્ય શક્તિ હોય છે. ઉત્તર - મારી ફિલ્મ એ નથી કહેતી કે અંધવિશ્વાસ કે મેલી વિદ્યા સાચુ છે કે ખોટું. જેની સાથે કે તેના પડોશી કે મિત્રો સાથે કોઈ આવી વિચિત્ર ઘટનાઓ ઘટે છે તો એ આવી વાતો પર વિશ્વાસ કરવા માંડે છે અને જેની સાથે આવુ કાંઈ બનતું નથી તે આનો વિરોધ કરે છે. આ તો માનો કે ન માનો જેવી વાત છે.
પ્રશ્ન - તમે તમારી ફિલ્મ બનાવવા માટે આ વિષયને કેમ પસંદ કર્યો ? ઉત્તર - મેલી વિદ્યા પર અત્યાર સુધી કોઈએ ફિલ્મ નથી બનાવી. આ વિષય નવો છે અને હું આના પર આવી ફિલ્મ બનાવવા માંગતો હતો, જેનાથી જોનારાને લાગે કે આ બધુ મારા પરિવાર પર વીતી રહ્યુ છે. આ ફિલ્મનો વિષય એવો છે જેના પર ઘણી ચર્ચા અને વાદ-વિવાદ થઈ શકે છે. મારા મુજબ આ ખૂબ જ સારો વિષય છે.
પ્રશ્ન - આ ફિલ્મમાં નવા કલાકારોને લેવાનુ કારણ ? ઉત્તર - કલાકારોની પસંદગી હું વાર્તાને અનુરૂપ કરૂ છુ. 'ફૂંક' માટે મને એવા કલાકારો જોઈતા હતા, જેની કોઈ ઈમેજ ન હોય અને જેને દર્શકો વધુ ન જાણતા હોય. તેથી મેં નવા કલાકારો લીધા.