Budget 2024 Highlights : નિર્મલા સીતારમણના ભાષણના મુખ્ય મુદ્દા, બજેટ 2024માં શું મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી?
ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (12:34 IST)
budget highlights
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું અને વચગાળા બજેટ રજૂ કર્યુ.
તેમણે કહ્યું કે , "આપણે ગરીબ, મહિલાઓ, યુવાઓ અને અન્નદાતા પર ધ્યાન આપવાની જરૂર છે. તેમની જરૂરિયાતો અને આશાઓ અમારી પ્રાથમિકતા છે."
ગુરૂવારે સવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદભવન પહોંચ્યાં હતાં. એ પછી કેન્દ્રીય કૅબિનેટ સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પહેલાં સીતારમણ, રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરી અને ડૉ. ભાગવત કરાડે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે બેઠક કરી હતી અને એપ્રિલ-જુલાઈના બજેટની રૂપરેખા રજૂ કરી હતી.
બજેટ 2024માં શું મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી?
- નવી કરવ્યવસ્થા હેઠળ રૂ. સાત લાખ સુધીની આવક ધરાવનારાઓએ કોઈ કર નહીં ભરવો પડે.
- આવકવેરા રિફંડને વર્ષ 2013-14માં સરેરાશ 93 દિવસથી ઘટાડીને સરેરાશ 10 દિવસે લાવ્યા.
- જીએસટીની માસિક સરેરાશ આવક રૂ. એક લાખ 66 હજાર પર પહોંચી, મૂળ આધાર કરતાં આવક લગભગ બમણી થઈ.
- પરંપરાને ધ્યાને લેતા વચગાળાના બજેટમાં કરમાળખામાં કોઈ ફેરફાર નહીં.
- ભારતીય વિમાનન કંપનીઓએ એક હજાર કરતાં વધુ નવાં વિમાનના ઑર્ડર આપ્યા.
- દરિયામાં પવનઊર્જાક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે આર્થિક સહાય કરવામાં આવશે.
- પીએનજી તથા સીએનજીમાં બાયોગૅસને ઉમેરવાનું ફરજિયાત કરાશે.
- લક્ષદ્વીપ સહિતના ટાપુઓ પર પર્યટન, પૉર્ટ કનેક્ટિવિટી અને સુવિધા વધારવામાં આવશે.
- પર્યટનસ્થાનોના રેટિંગ માટે ફ્રૅમવર્ક તૈયાર કરવામાં આવશે.
- તમામ આશા અને આંગણવાડી વર્કર તથા આરોગ્ય મદદકર્તાઓને આયુષ્માન ભારતનો લાભ મળશે.
- તલ, સોયાબીન, સૂરજમુખી, એરંડા અને મગફળી જેવાં તેલિબિયાંના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.
- 83 લાખ સ્વસહાય જૂથો દ્વારા નવ કરોડ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પ્રગતિ લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. - આ યોજના થકી એક કરોડ કરતાં વધુ મહિલાઓ 'લખપતિ દીદી' બની છે. આગામી સમયમાં આ આંકડો ત્રણ કરોડ સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે.
- એક લાખ કરોડના બજેટ દ્વારા સંશોધનક્ષેત્રે લાંબાગાળાની ધિરાણ કે પુનઃધિરાણની યોજનાઓ આપવામાં આવશે. જેનો ધિરાણદર નીચો કે શૂન્ય હશે. સંરક્ષણ તથા ભવિષ્યમાં વિકાસ પામનારાક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે.
- ફ્રૅઇટ કૉરિડોર ઉપરાંત ત્રણ કૉરિડોર દ્વારા રેલવેમાં સુરક્ષા અને સુવિધા વધારવા પ્રયાસ કરાશે.
- 40 હજાર રેલ બોગીઓને વંદે ભારત શ્રેણીમાં રૂપાંતરિત કરવામાં આવશે.
વચગાળાનું બજેટ : નિર્મલા સીતારમણના ભાષણના મુખ્ય મુદ્દા
- 10 વર્ષમાં દરેકને ઘર, નળથી જળ, દરેક ઘરને વીજળી-ગૅસ અને બૅન્ક-એકાઉન્ટ દ્વારા અમારી સરકારે દરેક ઘર સુધી પહોંચ્યા છીએ.
- ગરીબ, મહિલા, યુવા તથા અન્નદાતા એમ ચાર જાતિઓની જરૂરિયાતો, કલ્યાણ અને તેમની આકાંક્ષાઓને સંતોષવાનો પ્રયાસ છે. તેમનો વિકાસ થશે એટલે દેશનો વિકાસ થશે.
- 25 કરોડ લોકોને બહુ-આયામી ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી.
- યુવાનોમાં કૌશલ્યવૃદ્ધિ માટે ત્રણહજાર નવી આઈટીઆઈની સ્થાપના કરવામાં આવી.
- પીએમ મુદ્રા યોજના હેઠળ 43 કરોડ લોન આપવામાં આવી, જેમાંથી 30 ટકા મહિલાઓને મળી. કુલ રૂ. 22 લાખ 50 હજાર કરોડની લોનો આપવામાં આવી.
- સાત નવી આઈઆઈટી અને આઈઆઈએમની સ્થાપના કરવામાં આવી.
- ટ્રિપલ તલાક નાબૂદી, ગ્રામીણ વિસ્તારમાં 70 ટકા પીએમ આવાસ વિસ્તારના મહિલાને સ્વતંત્ર કે સંયુક્ત રીતે ઘર આપવામાં આવ્યા. આ સિવાય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી.
- લોકોની વાસ્તવિક આવકમાં 50 ટકા જેટલો વધારો થયો
- ચાર કરોડ ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ મળ્યો.
ગત વર્ષે ઉદ્યોગોને કેટલો ફાયદો પહોંચ્યો?
સરકારનું આ પગલું વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ પાવર બનવાની મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને છે.
તેની એક ઝલક રાજસ્થાનના શહેર દુદૂમાં જોવા મળે છે. અંદાજે એક વર્ષ પહેલાં જેની સ્થાપના કરવામાં આવી હતી એ ભારતીય કંપની ગ્રેવ એનર્જીએ એક કારખાનું શરૂ કર્યું હતું. તેમાં દરરોજ 3 હજાર સોલર પેનલ બનાવવામાં આવી રહ્યા હતા.
આ કંપનીને 560 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટ મળી હતી.
કંપનીના સીઈઓ વિનય થડાણી કહે છે, “આ શરૂઆતી પ્રોત્સાહન છે અને પાંચ વર્ષ પછી જ્યારે સરકારી સહાય મળવાનું બંધ થઈ જશે તો મારું માનવું છે કે ત્યાં સુધીમાં ઉદ્યોગ આત્મનિર્ભર થઈ જશે અને આપબળે આગળ વધવા માટે સક્ષમ થઈ જશે.”
સરકારનું આ પ્રોત્સાહન ગ્રેવ એનર્જી જેવી કંપનીઓને ચીન પરની તેમની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરવા માટે પણ છે.
થડાણી કહે છે કે આ ક્ષેત્રનો 80 ટકા કાચો માલ હજુ પણ ચીનમાંથી આવે છે. તેમનું કહેવું છે કે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે, તેમ છતાં ભારતને આમ કરવામાં થોડો સમય લાગશે.
તેઓ કહે છે, "માત્ર નાણાકીય સહાય જ નહીં, પરંતુ સરકારે જે વાતાવરણ બનાવ્યું છે, તેનાથી બધું જ ઝડપથી થાય છે - તે જ સાચો લાભ છે."
હકીકતમાં, ગ્રેવ એનર્જી આગામી કેટલાક મહિનામાં બે ફેક્ટરીઓ શરૂ કરવાની તૈયારીમાં છે. તેનું લક્ષ્ય 2000થી વધુ લોકોને રોજગાર આપવાનું છે.
સરકારે માત્ર સૌરઉર્જા ક્ષેત્રને જ નહીં પરંતુ ટેલિકોમ, ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ડઝનથી વધુ ક્ષેત્રોની ઉત્પાદન ક્ષેત્ર અથવા તો પીએલઆઈ યોજનાઓ તરીકે ઓળખ કરી છે.
સરકારી ડેટા અનુસાર, છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ છ લાખથી વધુ નોકરીઓનું સર્જન થયું છે અને ઉત્પાદન 8.61 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.