શ્રી ગણેશજી

પરૂન શર્મા

રવિવાર, 3 જૂન 2007 (10:23 IST)
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે ભગવાન શ્રી ગણેશને સૌ પ્રથમ યાદ કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય દેવીદેવતાઓની પૂજાઅર્ચના કરવામાં આવે છે. એટલું જ નહીં ગણેશજીની વિધ્નહર્તા તરીકે પણ ખાસ સ્તુતિ કરવામાં આવી છે.

ભગવાન શ્રી ગણેશ એ ભગવાન શિવના પુત્ર છે. તેમની વિશાળતમ આકૃત્તિ આપણને હંમેશા સાવધ રહેવાનો અને દરેક પરિસ્થિતિ, મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહેવાનો બોધ આપે છે.

ગણેશજીની આંખો આપણને એકાગ્રતા અને પોતાના લક્ષ્ય તરફ જ ધ્યાન રાખવાનો બોધ આપે છે.

ગણેશજીના કાન આપણને બીજાની વાતો ધ્યાનથી સાંભળવાનો બોધ આપે છે.

તેમનું મોટું પેટ બીજાની વાતોને ખાનગી રાખવાની અને અન્ય લોકોની નબળાઈઓને પોતાના પેટમાં રાખવી જોઈએ એવો બોધ આપે છે.

તેમનું વિશાળ મસ્તક જીવનમાં શ્રેષ્ઠ અને સકારાત્મક વિચારો કરવાની પ્રેરણા આપે છે.

મૂષક એટલે કે ઉંદર એ વિધ્નહર્તા ગણેશજીનું વાહન છે. તેમનું વાહન આપણને જીવનમાં ચંચળતા અને બીજાના ગુણદોષથી દૂર રહેવાનો બોધ આપે છે.

ગણેશોત્સવ એટલે ભગવાન ગણેશજીની સામૂહિક આરાધનાનો ઉત્સવ. આ ઉત્સવના ભાગરૂપે ઘરે, ગલી-મહોલ્લામાં ગણેશજીની સ્થાપના કરીને તેમની સામૂહિક પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ગણેશોત્સવના છેલ્લા દિવસે શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે ગણેશજીની મૂર્તિનું નદી-તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.

બ્રહ્મવૈવર્તપુરાણમાં જણાવ્યાનુસાર માતા પાર્વતીના પુણ્યક નામના પુત્રપ્રદ વ્રતના અનુષ્ઠાનના ફળસ્વરૂપે તેમને એક સુંદર બાળક અવતર્યુ. તે બાળક એટલે ભગવાન ગણેશ. તેઓ તેમના આરાધકોના સંકટો દૂર કરતા હુઈ તેમના પ્રાગટ્યની તિથી સંકટ ચોથ તરીકે મનાવવામાં આવે છે.

ચોથના દિવસે તેમનું પ્રાગટ્ય થયું હોય ભક્તો દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પૂજે છે.

સ્કંધ પુરાણમાં પ્રસ્તુત શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેની વાતચીત અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીનો વિશેષ મહિમા હોય છે. તે દિવસે ગણેશજી તેના આરાધકોને સર્વ કાર્યોમાં સિદ્ધિના આશિર્વાદ પ્રદાન કરે છે. તેથી તેઓ સિદ્ધિવિનાયક તરીકે પણ ઓળખાય છે.

આ જગતમાં દરેક વ્યક્તિનું શરીર પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ અને જળ એ પાંચ ભૌતિક તત્વોનું બનેલું હોય છે. કોઈ વ્યક્તિમાં જળનું તત્વ વધુ હોય છે તો કોઈ વ્યક્તિમાં પૃથ્વી તત્વ. જે લોકોમાં જળ તત્વનું પ્રમાણ વધારે હોય તેમના માટે ગણેશજીની ઉપાસના સારૂં ફળ આપે છે.

વેબદુનિયા પર વાંચો