મત્સ્ય અવતાર

અલ્કેશ વ્યાસ

રવિવાર, 3 જૂન 2007 (10:25 IST)
પ્રાચીન સમયમાં સત્યવ્રત નામના એક રાજા બહુ જ ઉદાર અને ભગવાનના પરમ ભક્ત હતા. એક દિવસ રાજા સત્યવ્રત કૃતમાલા નામની નદીમાં તર્પણ કરી રહ્યા હતા તે વખતે તેમના હાથમાં એક નાની માછલી આવી ગઈ.

માછલી પોતાની રક્ષા માટે આજીજી કરી રહી હતી. માછલીની વાત સાંભળીને રાજા તેને કમંડળમાં મુકીને આશ્રમમાં લઈ આવ્યા. જો કે કમંડળમાં મુકેલી માછલી ચમત્કારીક રીતે મોટી થઈ જતા રાજાએ તેને માટલામાં મુકી. પરંતુ ત્યાં પણ માછલી તેનું સ્વરૂપ વિસ્તાર્યુ. માટલું પણ માછલી માટે નાનું પડતા રાજા સત્યવ્રતે હાર માનીને તેને સમુદ્રમાં છોડી દિધી.

જો કે માછલીને સમુદ્રમાં નાંખતી વખતે તેણે રાજાન કહ્યું કે, સમુદ્રમાં મોટા મોટા મગરો હોય છે. તે મને ખાઈ જશે. તેથી મને અહીં ન છોડો. માછલીની વાત સાંભળીને રાજા પ્રભાવિત થયા. તેઓ માછલીની લીલા સમજી ગયા. તેઓ માછલીને પ્રાર્થના કરવા લાગ્યા.

ત્યારે મત્સ્ય દેવે તેના પ્યારા ભક્ત સત્યવ્રતને કહ્યું, આજથી સાતમા દિવસે ત્રણેય લોક પ્રલયકાળના જળમાં ડૂબી જશે. તે વખતે મારી પ્રેરણાથી તારી પાસે એક મોટી નૌકા આવશે. તમે બધા જ જીવ, છોડ અને અન્ન-બીજ વગેરેને લઈને સપ્તર્ષીઓ સાથે તેના પર બેસીને વિચરણ કરજો. તોફાનના લીધે નૌકા કાબૂ ગુમાવી દેશે ત્યારે હું આ જ રૂપમાં આવીને તમારા બધાની રક્ષા કરીશ. ભગવાન આટલું કહીને અંતર્ધ્યાન થઈ ગયા.

સાત દિવસ પછી આખી પૃથ્વી પાણીમાં ડૂબવા લાગી. રાજાએ ભગવાનને યાદ કર્યા. તેમણે જોયું કે હોડી આવી ગઈ છે. તરત જ રાજાએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું.

ભગવાનનું ધ્યાન ધરતા જ તેઓ મત્સ્ય રૂપે પ્રગટ્યા. ત્યારબાદ ભગવાને પ્રલયના સમુદ્રમાં વિહાર કરતા સત્યવ્રતને જ્ઞાનભક્તિનો ઉપદેશ આપ્યો. દરમિયાન હયગ્રાવ નામના રાક્ષસ બ્રહ્માજીના મુખમાંથી નીકળેલા વેદોને ચોરીને પાતાળમાં છુપાઈ ગયો હતો. ભગવાન મત્સ્યે હયગ્રીવને મારીને વેદોનો ઉદ્ધાર કર્યો.

વેબદુનિયા પર વાંચો