જાણો અચાનક જ ગુજરાતના કયા હેરિટેજ સ્થળ પર પર્યટકો ઘટી ગયાં?
મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (11:14 IST)
પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ નિહાળવા આવતા પર્યટકોમાં ગત વર્ષ કરતા આ વર્ષે 1.09 લાખ પર્યટકોનો ઘટાડો થયો છે. પરંતુ ટિકિટદરમાં વધારો થતાં ગત વર્ષની સરખામણીએ રૂ.24 લાખ વધુ આવક થઇ છે. આ વર્ષે વાવ નિહાળવા આવેલા પર્યટકોથી કુલ 1.33 કરોડ આવક પુરાતત્વ વિભાગને થઇ છે. જોકે, વર્લ્ડ હેરિટેજ વાવને ઉજાગર કરવા લાખો રૂપિયાના ખર્ચ છતાં વિદેશી પર્યટકોમાં 20 ટકાનો ઘટાડો થયો છે. રાણકી વાવનું માર્કેટિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ થયું નથી તેવો મત પણ બહાર આવ્યો છે. તો રૂ.100ની ચલણી નોટ ઉપર વાવ અંકિત થયા પછી પણ દેશના લોકો પૂરતા માહિતગાર થયા નથી. વર્લ્ડ હેરીટેજ રાણકી વાવ વિશ્વના ફલક પર ચમકતા સમગ્ર દેશ દુનિયામાંથી તેને નિહાળવા ભારતભરના અને વિદેશી પર્યટકોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. પણ આ વખતે તેમાં ઓટ જરૂર આવી છે.
પુરાતત્વ વિભાગ દ્વારા ટિકિટ દરમાં 2018ના જૂન-જુલાઈ માસમાં વધારો કરી ભારતીયો માટે રૂ.25માંથી રૂ.40 અને વિદેશી માટે રૂ.300માંથી રૂ.600 કરાયો છે. 2018માં વાવને 3.98 લાખ પર્યટકોએ નિહાળી હતી, 2019માં 2.89 લાખ ટુરિસ્ટો આવ્યા હતા. જોકે, દર વધ્યા હોઇ પુરાતત્વ વિભાગને રૂ.24,66,910 આવક વધુ થઇ છે. પાછલા વર્ષના આંકડા જોઇએ તો 2017માં 367528 લોકોએ વાવ નિહાળી હતી, જેમાં 3751 વિદેશી હતા. 2018માં 398525 પર્યટકો થયા. તેમાં 4207 વિદેશી હતા. જ્યારે 2019માં પર્યટકો 289057 થયા, જેમાં 3375 વિદેશી હતા. એટલે કે પ્રવાસીઓ ઘટ્યા છે. જોકે, પુરાતત્વ વિભાગના મતે હવે પછીના વર્ષે પણ ઘટશે તેવું ન માની લેવાય. આ સંબંધે ઇતિહાસકાર અશોક વ્યાસ જણાવે છે કે, પર્યટકો ઘટે તે ચિંતા કરવાનો વિષય છે. પાટણમાં પણ 22 ટકા લોકોએ વાવ હજુ જોઇ નથી. દેશ-વિદેશમાં લોકોમાં ઉત્કંઠા જગાવવામાં ઉણા ઉતર્યા છીએ.