ગુજરાતી વેડિંગ ફિલ્મ શુભ આરંભનો ફિયાસ્કો? ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવી સ્થિતી
મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (16:02 IST)
તાજેતરમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તે ફિલ્મ શુભ આરંભનો જાણે રીતસરનો ફિયાસ્કો થયો હોય તેવું ફિલ્મ નિષ્ણાંતોમાં ચર્ચાઈ રહ્યું છે. આ ફિલ્મમાં બોલિવૂડ અને હિન્દી એન્ટરટેઈન્મેન્ટના અભિનેતા હર્ષ છાયા તથા હિન્દી સિરીયલની અભિનેત્રી પ્રાચીએ અભિનય કર્યો છે. ફિલ્મની વાર્તા એકદમ સામાજિક છે લોકોને ગમે તેવી છે છતાય આ ફિલ્મ ગુજરાત અને મુંબઈમાં બોક્સ ઓફિસ પર કંઈ ઉકાળી શકી નથી. લોકોને એવી અપેક્ષા હતી કે આ ફિલ્મ હીટ સાબિત થશે પણ તેના એક સપ્તાહના બોક્સ ઓફિસના આંકડાઓ પરથી એવું લાગે છે કે આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઈ છે. કારણ કે આ ફિલ્મમાં સુત્રોના જણાવ્યા પ્રમાણે 2 કરોડથી વધારે બજેટ વાપરવામાં આવ્યું છે. ત્યારે એક સપ્તાહમાં આ ફિલ્મ માંડ 12 થી 15 લાખ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે. તેની સરખામણીએ કૂખ અને હમીરને સારો પ્રતિભાવ મળ્યો છે. આ ત્રણેય ફિલ્મો કરતાં એક રૂરલ ફિલ્મ ગુજરાતમાં સારી કમાણી કરી ગઈ છે. જાનુ મારી લાખોમાં એક નામની ફિલ્મ આ ત્રણેય ફિલ્મો કરતાં સારી કમાણી કરી ગઈ છે. જેની બોક્સ ઓફિસ ઈન્કમ એક સપ્તાહની જોઈએ તો 8 લાખથી વધારે છે. અત્યારે અર્બન ફિલ્મો બને છે અને જાજરમાન ફિલ્મોનો ગ્લેમર પણ જાજરમાન હોય છે. ત્યારે શુભ આરંભ પાસે લોકોની અપેક્ષા પ્રમાણે ખાસ કંઈ મળ્યું નથી. આ ફિલ્મ બે રાજ્યોમાં માત્ર 12થી 15 લાખ રૂપિયા એક સપ્તાહના કમાય તે વિચારવા લાયક બાબત છે. એવું નથી કે માર્કેટને નોટબંધી નડી. જો નોટબંધી નડી હોત તો જાનુ મારી લાખોમાં એકને 8 લાખનું પણ કલેક્શન મળ્યું ના હોત. પણ શુભ આરંભની સ્થિતી કેવી રીતે ખરાબ થઈ એતો હવે દર્શકો જ જાણે.