ધ્વનિ ગૌતમની વધુ એક ફિલ્મ ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર.’ ટુંક સમયમાં રિલીઝ થશે

સોમવાર, 26 નવેમ્બર 2018 (18:37 IST)
ગુજરાતી ફિલ્મો હવે વઘુ એક નવા આયામ પર આવીને ઉભી છે. એમાંય સુપર હીટ ફિલ્મો જેણે આપી છે એવા દિગ્દર્શક ધ્વનિ ગૌતમની વધુ એક ફિલ્મ ટુંક સમયમાં દર્શકો સુધી પહોંચશે. કોમેડી અને રોમેન્ટીક કોમેડી ફિલ્મો ગુજરાતી દર્શકોને વધારે પસંદ પડે છે.  

એની સાથે પારિવારિક ફિલ્મો પણ દર્શકોની હવે પસંદગી રહી છે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી નટસમ્રાટ પણ પારિવારિક ફિલ્મ હતી આ ફિલ્મને દર્શકોએ સારો પ્રતિભાવ આપ્યો, લવની ભવાઈ પણ રોમેન્ટિક કોમેડી ફિલ્મ તરીકે ચર્ચામાં રહી અને લોકોએ આ ફિલ્મને પણ પસંદ કરી ત્યારે દિગ્દર્શક ધ્વનિ ગૌતમ કે જેઓ ગુજરાતી દર્શકોને ફરીવાર મજાનું મનોરંજન પીરસી રહ્યા છે. 

તેમની એક ફિલ્મ ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર.’માટેની એક પત્રકાર પરિષદ અમદાવાદ ખાતે યોજાઈ ગઈ. આ પરિષદમાં ઉપસ્થિત રહેલાં કલાકારોએ પત્રકારો સાથે સરસ સંવાદ કર્યો હતો. ફિલ્મની વાત કરીએ તો એકબીજાથી એકદમ વિરોધાભાસ સ્વભાવ ધરાવતા બે ભાઈઓ યશ ઠક્કર અને રાજ ઠક્કર વચ્ચેની ઉમદા કેમેસ્ટ્રી તથા એક અનન્ય કોર્ટરૂમ ડ્રામા દર્શાવતી ફિલ્મ તેમજ તેઓ બંને વચ્ચેના ભેદભાવથી લઈને તેઓની સફળતા સુધીની અને તેઓના પિતા પ્રદ્યુમન ઠક્કરની આત્મવિશ્વાસ સાથેની સફર, આ ઉપરાંત દર્શકોને એક જબરજસ્ત પારિવારિક એકતાનો સંદેશો આપતી મનોરંજક ફિલ્મ એટલે ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર.’

ફિલ્મનો કોન્સેપ્ટ શ્યામ ખંડેલિયાનો છે. તો સ્ટોરી વિપુલ શર્મા, ઘ્વનિ ગૌતમ અને શ્યામ ખંડેલીયાએ તૈયાર કરી છે. ફિલ્મના કલાકારોમાં રોનક કામદાર, જિનલ બેલાની, ગૌરવ પાસવાલા, શેખર વ્યાસ, મિનલ પટેલ, હેમાંગ દવે, પ્રેમ ગઢવી છે. અનંગ દેસાઈએપણ આ ફિલ્મમાં રોલ કર્યો છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર